શિયાળુ પાક લેવા નર્મદા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માગ
પાટણ
વઢિયાર પંથકના શંખેશ્ર્વર તાલુકામાં દિવાળી પૂરી થયાને ૨૦ દિવસ થઈ ગયા, ખેડૂતો શિયાળુ પાક જીરાનું વાવેતરની તૈયારી કરી નાખી છે ત્યારે નર્મદાની કેનાલમાં પાણી છોડવા તેમ જ રાજપુરા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી સિપર માઇનોર તેમજ ફતેગંજ ડિસ્ટ્રીબ્યુટરી સુધી તૂટી ગયેલી કેનાલના રિપેરિંગ તથા સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતોએ ઉગ્ર માગ કરી હતી. વઢિયાર પંથકમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી તાલુકાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારના સોનાની લગડી ગણાતા શિયાળુ જીરાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી તેમજ અતિવૃષ્ટિથી તૂટી ગયેલી કેનાલ રિપેરિંગ કરવામાં આવી નથી, ત્યારે કેનાલ રિપેરિંગ કરવામાં આવે અને પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માગ ઊઠી છે. અધિકારીઓની મિલીભગતના કારણે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મૌખિક રજૂઆત કરવા છતાંય કોઈ કામગીરી થતી નથી અને પાણી છોડતા નથી.