મુંબઈના વેપારી પાસેથી ૬૫ લાખનું સોનું લૂંટનારાં ત્રણ આરોપીઓ ની થઈ ધરપકડ
અમદાવાદ
શહેરના અંજલી બ્રિજ પર મુંબઈનાં વેપારી પાસેથી ૬૫ લાખના સોનાની લૂંટ મામલે પોલીસે હોમગાર્ડના જવાન સહિત ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ગંભીર બાબત એ છે કે, આ વેપારીની પોલીસ ચોકીમાં તલાસી દરમિયાન તેની પાસે સોનું હોવાની વાત લૂંટારાં સુધી પહોંચી ગઇ હતી. અન્ય લોકોની પણ સંડોવણી છે કે નહીં તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. શનિવારે પોલીસે બે આરોપીઓનાં સ્કેચ જાહેર કર્યાં હતાં. બસમાં મુંબઈથી આવેલા વેપારીને પોલીસકર્મીઓએ નારોલ શાસ્ત્રીબ્રિજ પોલીસ ચોકીમાં લઇ જઈ ૨૫ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જે બાદ વેપારી એક્ટિવા પર અંજલી બ્રિજ પર જતા હતા ત્યારે બે શખસ ચેકિંગના બહાને ૬૫ લાખનું સોનુ લૂંટી ફરાર થઈ ગયા હતા. આરોપી અને પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળીએ અન્ય આરોપીઓ સાથે મળી સમગ્ર લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસે દાણીલીમડાના કાશીરામ વિસ્તારમાંથી પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળી , અહેમદ પઠાણ અને શાહરુખ શેખની ધરપકડ કરી લૂંટમાં ગયેલો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ ચોકીમાં પોતાની સાથે તોડ થયો હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો હતો. જ્યારે આ ગુનામાં પકડાયેલા હોમગાર્ડનો પૂર્વ જવાન ઘનશ્યામ શ્રીમાળી અગાઉ રાજસ્થાનમાં થયેલી રૂ. ૧૫ લાખની લૂંટના કેસમાં પણ સંડોવાયેલો છે. જ્યારે બીજા બે આરોપીઓ પણ બીજા લૂંટ કેસમાં પકડાઇ ચૂક્યાં છે. મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી ગત ગુરુવારે સોનું લઈને બસમાં અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રિજ પાસે બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા નવીનભાઈ પાસે મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. જેના પુરાવા પણ પોલીસને આપ્યા હતા.