ગાંધીનગરગુજરાત

ગુજકોક કાયદાનો રાજયમાં પહેલી ડિસેમ્બરથી અમલ કાયદાને લઇ આંતકવાદી પ્રવૃત્તિ પર લગામ કસાશે

ગાંધીનગર :

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજીને ગુજકોકના કાયદાની તા.૧લી ડિસેમ્બરથી ગુજરાતમાં અમલવારી કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં તા.૧લી ડિસેમ્બર અમલી બનશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વધુમાં જણાવ્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો. જેને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવેથી આ કાયદાનો અમલ આગામી તા.૧લી ડિસેમ્બરથી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સંગઠિત ગુનાખોરી કે જેને કોઇ રાષ્ટ્રીય સીમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે જરૂરી હતું. જેનો તા.૧લી ડિસેમ્બરથી અમલ થતાં સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝી સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રિત થશે. કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથેસાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે. જાડેજાએ ઉમેર્યુ હતું કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજકોક)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે આકરી શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે. વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂંક કરાશે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવિઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે. આતંકવાદ અને સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલા પુરાવા ગ્રાહ્ય રખાશે તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબુલાતને પણ વિચારણામાં લેવાશે. તો, સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પડાશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલી મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x