અંબુજા સિમેન્ટ કંપનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી, ૯ લોકોની ધરપકડ
અમદાવાદ
અંબુજા સિમેન્ટ કંપનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી લોકો સોથે છેતરપીંડી કરનારા 9 શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ nokri.com નામની વેબસાઇટ બનાવી બેરોજગારો પાસેથી અલગ અલગ ફી પેટે રૂપિયા પડાવતા હતા.
આરોપીઓ દિલ્હીમાં બેંકના ક્રેડિટ કાર્ડ સેલ કરવાના બહાને એક કોલ સેન્ટર ચલાવતા. આ લોકોએ nokri.comના ભળતા નામથી એક વેબસાઈટ બનાવી હતી અને તેમાં લોકો દ્વારા ભરવામાં આવતા બાયોડાટાના આધારે છેતરપિંડી આચરતા હતા. તેઓ બાયોડાટા મોકલનાર વ્યક્તિનો સંપર્ક સાધીને સૌથી પહેલા તેને ડુપ્લિકેટ ઓફ લેટર મોકલીને વિશ્વાસ કેળવતા હતા. તેઓ વેબસાઈટ માટે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ મેળવીને ફીના નામે પૈસા પણ ઉઘરાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદના એક વ્યક્તિ પાસેથી અંબુજા કંપનીમાં સારા પેકેજથી નોકરી અપાવવાના બહાને રૂ.4 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ વ્યક્તિની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે વિસ્તૃત તપાસ કરીને 9 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 33 જેટલા મોબાઈલ ફોન, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક સામગ્રી પણ મળી આવી છે. સાયબર ક્રાઈમે આ કોલ સેન્ટર રેકેટમાં મુખ્ય સૂત્રધારને પકડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.