ધરોઈ ડેમના ૭ દરવાજા બંધ, હજી ૩ ખૂલ્લા, પાણીની આવક ૭૦ હજાર ક્યૂસેક ઘટી
ધરોઈ જળાશયમાં સોમવારે સવારે ૧૦-૦૦ કલાકે દસ દરવાજા ખોલી નાખ્યા બાદ ઉપરવાસમાંથી ઉમેરાતા વરસાદી પાણીની આવક ઘટતાં ૭ દરવાજા બંધ કરી દેવાયા હતા. હાલમાં ધરોઈ ડેમના ૩ દરવાજા ૪ ફૂટની ઊંચાઈએ ખૂલ્લા રખાયા છે અને હેઠવાસની સાબરમતી નદીમાં ૧૬,૯૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અરવલ્લીની ડુંગરમાળાઓ કેચમેન્ટ એરિયામાંથી વર્તમાન સમયે ૧૬,૯૦૦ ક્યૂસેક પાણી ઉમેરાઈ રહ્યું છે.
ઉલ્લેખપાત્ર છે કે, ગઈ કાલે બપોરે ર-૦૦ કલાકના સુમારે ધરોઈડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ૯પ,૦૦૦ ક્યૂસેક ચાલુ હતી ત્યારે જળાશયની સપાટી ૬૧૯.૭૪ ફૂટને આંબી ગઈ હતી. ત્યારબાદ, ડેમના ૧૦ દરવાજા ખોલી નાખવામાં આવતાં આ સપાટી ધીમે ધીમે નીચે આવી હતી અને આ લખાઈ રહ્યું છે ત્યારે જળસપાટી ૬૧૯.૦પ ફૂટનું લેવલ દર્શાવી રહી છે. નોંધપાત્ર છે કે, ધરોઈ ડેમમાં પાણીની મહત્તમ સમાવવાપાત્ર ક્ષમતા ર૮,૭૧૬ મિલિયન ઘનફૂટ સામે વર્તમાન જથ્થો રપ,ર૬૪ મિલિયન ઘનફૂટ છે.
રાજસ્થાનમાં ઉપરવાસના વિસ્તારોમાં થતા વરસાદનું પ્રમાણ, જળાશયમાં ઉમેરાતા પાણી અને હેઠવાસમાં છોડતા પાણી સંદર્ભે સતત મોનિટરીંગ કરવામાં નહીં આવે તો ઉપરવાસમાંથી થતી વરસાદી પાણીની આવક છતાં જળાશયમાં મહત્તમ જળપુરવઠો એકત્રિત કરવામાં ખામી રહી જાય તેમ છે. સપાટી ૬ર૦ ફુટની ઉપરવટ જાય ત્યારે આ તકેદારી આવશ્યક બની જાય છે. પૂરતા મોનિટરીંગના અભાવે ધરોઈ ડેમની સપાટી ૬૧૯.૭૪ ફૂટથી ૬૧૯.૦પ ફૂટ નીચી આવી છે. અને પાણીનો મબલખ જથ્થો હેઠવાસની સાબરમતી નદીમાં નિરર્થક વહી ગયો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધરોઈ ડેમના હેઠવાસ તરફ જતી કેનાલમાં છોડવામાં આવતા પાણીથીએ તળાવોને જળસમૃધ્ધ કરવામાં આવનાર છે કે, જે તળાવ આ વેસ્ટ કેનાલ સાથે લીંક અપ હોય. આમ, ડેમ સાઈટમાંથી કેનાલમાં છોડાતા પાણીનો સંચય કરવા માટે પણ તંત્ર સતર્ક બન્યું છે. જો કે, જળાશયમાં ઉમેરાતાં ઉપરવાસના પાણીનો જથ્થો અને ૩ દરવાજા મારફત છોડવામાં આવતા પાણીના જથ્થાનો તાલમેલ અને મોનિટરીંગમાં સમય સૂચકતા જળવાય તે જરૃરી છે