ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં દેખાયો કોંગ્રેસીઓનો આક્રોશ
પાટનગર ગાંધીનગરમાં દલિત અત્યાચાર, મોંઘવારી, કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી, મોંઘવારી , મોધું શિક્ષણ-આરોગ્ય સહિતના પ્રશ્નોના મુદ્દે કોંગ્રેસે મંગળવારે જનઆક્રોશ રેલી યોજી હતી જેમાં વિધાનસભાના ઘેરાવ કરવા જતાં કોંગી કાર્યકરોને વોટરકેનનથી પાણીનો મારો ચલાવી પોલીસે અટકાવ્યા હતાં. માર્ગો પરના બેરિકેડ તોડી આગળ વધતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આમ છતાંયે કોંગ્રેસીઓ વિધાનસભાના સંકુલમાં ધુસી ગયા હતાં. ગાંધીનગરમાં વહેલી સવારથી સત્યાગ્રહ છાવણીમાં જનઆક્રોશ રેલીમાં જનજનમાં છે રોષ, ભાજપની પ્રજા વિરોધી સરકાર સામે છે જનઆક્રોશ જેવા બેનરો સાથે કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જનસભાને સંબોધતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વડાપ્રધાનને નિશાન બનાવી આકરાં પ્રહારો કરતાં જણાવ્યું કે, ઉનાકાંડના મુદ્દે સંસદમાં પડઘા પડયાના ૨૫મા દિવસે વડાપ્રધાને દલિતો પ્રત્યેનો પ્રેમ જાગ્યો.
દલિતોની સહાનુભૂતિ દાખવતા નરેન્દ્ર મોદીને ગુજરાતમાં અમાનુષી અત્યાચારનો ભોગ બનેલા દલિત પિડિતો માટે ૂેબે શબ્દો બોલવાનો ય સમય નથી. ડિજીટલ ઇન્ડિયા,સ્ટાર્ટઅપની વાતો કરનારાં જે તે વખતે રાજીવ ગાંધીની આઇટી-ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીનો વિરોધ કરતાં હતાં. આજે તેઓ તે જ માર્ગે ચાલી રહ્યાં છે. તેમણે એવી પણ ટીકા કરી કે, શ્રીનગરમાં લાલચોકમાં ત્રિરંગો ફરકાવવા ગયાં ત્યારે માતાનો ફોન આવ્યો હતો તેવુ કહેનારાં મોદીને એ ખ્યાલ નથી તે વખતે મોબાઇલ ફોનની સુવિધા જ ન હતી .
વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપના રાજમાં ફાઇલ પર વજન હોય તો જ કામ થાય છે.ગામડાથી માંડીને સચિવાલય સુધી હપ્તારાજ ચાલે છે.ભાજપની મહેરબાનીથી જ મોંઘવારી વધી છે.ભાજપ સરકાર જ કાળાબજારિયાઓને રાજકીય આશ્રય આપી રહી છે. છેલ્લા બે મહિનામાં તેલના ભાવો આસમાને છે. ૬૦ દિવસનું સત્ર ચાલે તેવો ઠરાવ છે પણ અમલ જ થતો નથી જેથી પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા જ થઇ શકતી નથી. મુખ્યમંત્રી બદલવાથી મોંઘવારી ઘટી જતી નથી. વિધાનસભામાં દલિતોની ૧ કલાક પણ ચર્ચા કરવા તૈયાર ન હોય તેવી ભાજપ સરકારે દલિતવિરોધી નિતી છતી કરી દીધી છે.
અર્જુન મોઢવાડિયાએ ભાજપના શાસનમાં ખાણમાફિયા, બુટલેગરો,ભૂમાફિયા બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અન્ય કોંગ્રેસી નેતાઓએ પણ સંબોધન કરી ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીની આકરી ટીકા કરી હતી. સભા પૂર્ણ થયાં બાદ કોંગ્રેસી નેતા અને કાર્યકરોએ વિધાનસભા તરફ જવાની કોશિશ કરતાં શંકરસિંહ, ભરતસિંહ સોલંકી સહિતના નેતા ઉપરાંત ૫૦૦થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ વિધાનસભા તરફ જતાં તમામ માર્ગો પર બેરિકેડ ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિધાનસભાના તમામ પ્રવેશદ્વારો પણ બંધ કરી દેવાયાં હતા. તમામ મુલાકાતીઓને પણ સચિવાલયમાં જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. વિધાનસભાના તમામ પ્રવેશ દ્વારો પર પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાંયે કોંગી કાર્યકરોએ ભાજપ સરકારની નનામી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતાં. પૂતળાદહન પણ કર્યું હતું. કોંગ્રેસી કાર્યકરોએ બેરિકેડ હટાવી વિધાનસભા તરફ જવાના પ્રયાસો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. કાર્યકરોને રોકવા પોલીસે હળવો બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. એટલું જ નહીં, વોટરકેનનથી પાણીનો મારો ચલાવતાં માર્ગો પર દોડધામ મચી હતી.