ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

GSTમાટેના બંધારણીય સુધારાને ગુજરાત વિધાનસભાએ મંજૂર કર્યો

ગાંધીનગર,મંગળવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો કાયદો બનાવવા માટેના કેન્દ્ર સરકારે મંજૂર કરેલા બંધારણીય સુધારાને મંજૂરી આપતો પ્રસ્તાવ આજે ગુજરાત વિધાનસભામાં કોન્ગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે સર્વાનુમતે પસાર થયો હતો. આ સાથે જ જીએસટી લાવવા કાયદો ઘડવા માટે બધારણના સુધારાને મંજૂરી આપનાર ગુજરાત દેશનું છઠ્ઠુ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને દેશની સંસદ ઉપરાંત પંદર રાજ્યની વિધાનસભા મંજૂરી આપે તે પછી જ દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર જીએસટીનો કાયદો ઘડી શકશે.
આ પૂર્વે છત્તિસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, આસાન અને ઝારખંડે બંધારણીય સુધારા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તથા ગોવા પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવાની તૈયારીમાં જ છે. પહેલી એપ્રિલ ૨૦૧૭થી જીએસટીને અમલમાં લાવવો હોય તો ઓછામાં ઓછા પંદર રાજ્યોએ તેને મંજૂરી આપવી પડે અને ૯૦ દિવસમાં તેને માટેનો કાયદો ઘડી દેવાની પ્રક્રિયા પૂરી કરી દેવી પડે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવની વિગત આપતા નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે તેના થકી થનારી વેરાની આવકનું પચાસ-પચાસ ટકાના દરે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વહેંચણી થશે. જીએસટીમાં નિર્ણય લેવા માટે દેશના તમામ રાજ્યના નાણાં પ્રધાનો અને કેન્દ્રના નાણાં પ્રધાનનો સમાવેશ કરતી જીએસટી કાઉન્સિલ જ સુપ્રીમ એટલે કે સર્વસત્તાધીશ રહેશે. જીએસટી અંગેના તમામ નિર્ણયો કાઉન્સિલ જ લેશે. જીએસટીના રેટ પણ આ કાઉન્સિલની મંજૂરી અને સહમતીથી જ નક્કી કરવામાં આવશે, એમ પૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૨૪૬(એ)માં સુધારો કરીને રાજ્ય અને કેન્દ્ર જીએસટી માટેનો કાયદો બનાવ તેવી જોગવાઈ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજ્ય વેટ અને અન્ય વેરા પર નભતાં હતા. હવે રાજ્ય સરકારોને સર્વિસ ટેક્સની આવકમાંથી પણ હિસ્સો મળશે. ગુડ્સ એન્ડ સર્વિસ ડેસ્ટિનેશન બેઝ એટલે કે જે રાજ્યમાં વસ્તુની વપરાશ થશે તે રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સ્ટેટનો ટેક્સ પણ જશે. તેથી અંદાજે રૃા. ૮૦૦૦ કરોડનું આવકમાં ગાબડું પડવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જોકે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ જે રૉ મટિરિયલ ખરીદશે તે રૉ મટિરિયલ પરનો ટેક્સ તેની પાસે આવશે. પરિણામે બહુ મોટી ખોટ જવાની શક્યતા ઓછી છે.
પરિણામે આરંભના વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ સ્ટેટને આવકમાં ખોટ પડવાની સંભાવના છે. પરંતુ આ ખોટને સરભર કરી આપવા માટે કેન્દ્રએ જીએસટીના કાયદામાં તે વળતર આપવાની જોગવાઈ દાખલ કરી છે. તેથી જ તમામ રાજ્યો જીએસટીને સ્વીકારી લેવા ઝડપથી તૈયાર થયા છે. પરંતુ કેન્દ્રના વેરાનો હિસ્સો પણ રાજ્ય સરકારોને મળવાનો છે તેથી ખોટ ઓછી થઈ જવાની સંભાવના રહેલી છે. પહેલા કેન્દ્રને થતી વેરાની આવકમાંથી રાજ્યને મળતો હિસ્સો અંદાજે ૩૨ ટકા હતો તે હવે જીએસટીની સિસ્ટમમાં વધીને ૪૨ ટકાથી ઉપર જશે.
આજે ગુજરાત વેટ અને સીએસટી-સેન્ટ્રલ સેલ્સ ટેક્સની અનુક્રમે રૃા. ૩૩૦૦૦ કરોડ અને ૪૦૦૦ કરોડ મળીને કુલ રૃા. ૩૭૦૦૦ કરોડથી વધુની આવક ધરાવે છે. આ આવક તેની જીએસટીમાં મર્જ થઈ જશે, પરંતુ તેની સામે તેને અત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્ટેમ્પ ડયૂટી, ઇલેક્ટ્રીસિટી ડયૂટી અને ટેક્સ ઓન વેહિકલ થકી થતી રૃા. ૧૯૦૦૦ કરોડની આવકને અનટચ રાખવામાં આવી છે. તેના પર આરંભના ત્રણ વર્ષ વેટ અને સીએસટી જ લેવાનું ચાલુ રાખવામાં આવશે. જીએસટીની સિસ્ટમના અમલીકરણના ત્રણ વર્ષ બાદ આખી સ્થિતિનું પુનરવલોકન કરીને પછી જ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીની સિસ્ટમમાં લઈ જવી કે નહિ તેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. પેટ્રોલિયમ પેદાશો થકી થતી આવક રૃા. ૫૦૦૦ કરોડની આસપાસની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x