ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે: ગેહલોત
અમદાવાદમાં
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદમાં છે. આ દરમિયાન અશોક ગેહલોતે દારૂને લઇ ફરી ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે.મહત્વપૂર્ણ છે કે શુક્રવારે રાજકોટમાં ગાંધીજીની શાળામાં જ વિદેશી દારૂ પકડાયો હતો.
અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દારૂને લઇ આકરા પ્રહાર કર્યા હતા. અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. દારૂબંધીમાં ગુજરાત સદંતર નિષ્ફળ રહ્યું છે. ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે.
રાજકોટની ગાંધીજીએ સ્થાપેલ શાળામાંથી પાંચ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. ગાંધીજીએ 1921માં આ શાળાની સ્થાપના કરી હતી.વિદેશી અભ્યાસ પદ્ધતિનો વિરોધ કરીને ગાંધીજીએ ‘નવી તાલીમ’ અભ્યાસ પદ્ધતિ અપનાવવાની હાંકલ કરી હતી અને તે સમયે તેમને રાજકોટમાં આ શાળાની સ્થાપના કરી હતી.
ગુજરાતમાં દર ત્રીજા મહિને દારૂ રામાયણ શરૂ થાય છે, ક્યારેક ગૃહ વિભાગનો રેલો, એમએલએ ક્વોર્ટર સુધી લઇ જવાની વાત કરવામાં આવે છે તો ક્યારેક બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડે દારૂના મુદ્દે નિવેદન પ્રતિ-નિવેદન થાય છે. સરકાર કોઈપણ પાર્ટીની હોય પરંતુ ક્યારેય કોઈ સ્વીકારતું નથી કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. આ પહેલા પણ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગત મહિને ગુજરાતમાં દારૂ મુદ્દે આપેલ નિવેદન રાજકીય મુદ્દો બની ગરમાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ તે સમયે નિવેદન આપતા કહ્યું હતુ કે, ગુજરાતમાં દારૂ નથી પીવાતો કે દારૂ મળતો જ નથી. આ નિવેદન પછી રાજકારણ વધારે ગરમાયું હતું.જોકે, ફરી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે ત્યારે દારૂને લઇને ફરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આકરા પ્રહાર કર્યા હતા.