દારૂબંધી મામલે જવાબ આપવાને બદલે મુખ્યમંત્રી રૂપાણીએ ગેહલોત ને આપ્યો પડકાર
અમદાવાદ
ગુજરાતમાં દારુબંધી મામલે બે રાજ્યનાં મુખ્યમંત્રીઓ વચ્ચે ફરી એક વાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવા મામલે અશોક ગહલોતનાં નિવેદન મામલે મુખ્યમંત્રી વિજય રુપાણીએ અશોક ગહલોતને સીધો પડકાર ફેંક્યો છે. હિંમત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરી બતાવવા જણાવ્યું છે. અમદાવાદનાં બાબા સાહેબ ઓપન યુનિવર્સીટીનાં તેજ-તૃષા પ્રતિભા સ્પર્ધાનાં ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ગુજરાતમાં ઘરેઘરે દારુ પીવાનાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતનાં નિવેદન મામલે ફરી વિવાદ છેડાયો છે. આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસને અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતને આડેહાથે લીધા હતા. અશોક ગહલોતને પડકાર ફેંકતા તેઓએ જણાવ્યું કે, મને નવાઈ લાગે છે કે, કોંગ્રેસનાં લોકોએ હંમેશા અન્ય રાજ્યોમાં વર્ષોથી તેમની સરકાર હતી આજે પણ રાજસ્થાનમાં તેમની સરકાર છે. કોંગ્રેસના લોકો કયા મોઢે દારુબંધીની ચર્ચા કરવા નીકળ્યા છે. અશોક ગહલોત હિંમત હોય તો ગહલોત રાજસ્થાનમાં દારુબંધી કરે.
અગાઉ વિવાદ હતો ત્યારે ગહેલોત બોલ્યાં હતા કે, ગુજરાતમાં ઘેર ઘેર દારુ પીવાય છે. ત્યારે મે તેનો વાંધો લીધો હતો. આ ગુજરાતીઓનું અપમાન છે અમારે ત્યાં ગુજરાતમાં ઘેર ઘેર દારુ પીવાતો નથી. અમુક ટકા વ્યસનનાં કારણે પીતા હશે. કોઈ ઘરે ઘરે પીવાતો નથી અને ગહલોત માફી માંગે તેવી વાત કરી હતી. આ વાતને ટવિસ્ટ કરીને બીજી વાતો કરે છે કે, ગુજરાતમાં દારુ વેચાતો નથી. રુપાણી જવાબ આપે, અરે ભાઈ પહેલા દારુ બંધી છે માટે વેચાય છે કે નહિ તેની ચર્ચા છે. ગહેલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરીને આવે પછી હુ ચર્ચા કરવા તૈયાર છું. ત્યાં દારુબંધી કરવી નથી દારુના કારખાના ચલાવવા છે ભવિષ્યની પેઢી વ્યસનમા ભલે બરબાદ થઈ જાય તે તેમને પાલવે છે અને અહીં આવીને સુફિયાણી વાતો કરવી છે.
આ અંગે વધુમાં વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં દારુબંધી છે જ અને કડક રહેશે. જ્યાં ક્યાય આ સામાજિક દૂષણ છે વ્યસન તેની સામે અમારી સરકાર લડતી આવી છે અને લડતી રહેશે. તેની સામે અમે કડક પગલા લેવાના જ છીએ. મહત્વનું છે કે, શનિવારે કોંગ્રેસનાં જનવેદના આંદોલનમાં ગુજરાત આવેલા રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે દારુબંધી મામલે જણાવ્યું હતું કે ગુજરાત નાં મુખ્યમંત્રી એ મારા નિવેદનને સમજીને અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવાની જરૂર હતી. દારૂની એન્ટ્રી બંધ કરવાની જરૂર હતી પણ મારા નિવેદનને તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યું.