ગુજરાતમાં આજથી GUJCTOC નો અમલ, કોંગ્રેસે નોધાવ્યો વિરોધ
ગાંધીનગર
ગુજરાતમાં આજથી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) નો અમલ શરુ થઈ ગયો છે, ત્યારે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાત સરકાર આ કાયદાના અમલને રાજ્યના હિતમાં ગણાવી રહી છે, તો કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. આ અંગે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ કાયદાના અમલથી ગુજરાત વધુ સુરક્ષિત બનશે, કારણ કે ગુજરાત સરહદી રાજ્ય છે અને ભૂતકાળમાં પણ અનેક પ્રકારના નુક્સાન ભોગવી ચૂક્યું છે. અગાઉ કાયદાની આટીઘૂંટીમાંથી આરોપીઓ છટકી જતા અને ગુજરાતની સુરક્ષા જોખમાતી હતી. જો કે હવે આ નવા કાયદાના અમલથી અસામાજિક તત્વો અને દેશ વિરોધી તત્વો વિરૂદ્ધ વધુ સખતાઇથી કામ કરી શકાશે.
જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ આ કાયદાનો અમલ થાય તે માટે સતત પ્રયત્ન કરતા હતા. જો કે તે સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકારે આ કાયદાનો અમલ ના થાય તે માટે આ બિલને વારંવાર અટકાવ્યુ હતુ. આમ કોંગ્રેસે ગુજરાત વિરોધી કામ કર્યું હતું. હવે કોંગ્રેસે ગુજરાતની સુરક્ષાને લઇને આ કાયદાને આવકારવો જોઇએ.
બીજી તરફ કોગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાત એક્સક્લુઝિવ સાથે વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ ગુજરાત કે દેશ વિરોધી નથી, પરંતુ આ કાયદામાં રહેલા બે મુદ્દાઓને લઇને તેમનો વિરોધ છે. જેમાં પહેલો મુદ્દો છે કે, આ કાયદા હેઠળ ઝડપાયેલા આરોપીઓએ પોલીસ અધિકારી સમક્ષ આપેલું નિવેદન માન્ય ગણાશે અને કોઇપણના મોબાઇલ ફોન રેકોર્ડ કરવાની સત્તા આપવામાં આવી છે. આ બંને સતાઓનો ગેરઉપયોગ થશે. બની શકે કે, પોલીસ અધિકારી કોઇ ફણ રાજકીય દબાણથી આરોપીને માર મારીને નિવેદન લેવડાવી શકે. આ ઉપરાંત કોઇનો પણ ફોન રેકોર્ડ કરવાની સતા ગેરવ્યાજબી છે. આ કાયદો માત્ર કોંગ્રેસે જ નહી, પણ વર્ષ 2003માં જ્યારે એપીજે અબ્દુલ કલામ અને ખુદ અડવાણીજી કેન્દ્રમાં હતા, ત્યારે તેમણે પણ આ બિલને પરત મોકલ્યું હતુ. આમ ભાજપ કાયદાના નામે સત્તાનો દૂરૂપયોગ કરી રહી છે. અમે અત્યારે પણ આ બિલ મામલે વિરોધ દર્શાવીએ છીએ.