પરીક્ષામાં ગેર રીતી ને લઇ NSUI એક્શન માં, આસિત વોરાના ઘરે કર્યો હોબાળો
ગાંધીનગર
રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સાથે ઉમેદાવારો ગાંધીનગરમાં ગઈકાલથી ધરણાં પર બેઠા છે, ત્યારે ગઈકાલે સવારથી પ્રદર્શન કરતાં ઉમેદવારોની અટકાયતોનો દોર ચાલ્યો હતો. જે બાદ પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં જ ધામા નાંખી ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં કરવાનું ચાલુ રાખ્યુ હતું. આ અંગે વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે આવેલા આસિત વોરાના ઘરે NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે.
અગાઉ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંદોલનકારી ઉમેદવારોને મળવા પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. શંકરસિંહે જણાવ્યું કે, સરકારે આંદોલનકારીઓને સલાહ માનવી જોઈએ. હું આજે જ ગવર્નરને ફોન કરીને આ પરીક્ષા રદ્દ કરવા માટે રજૂઆત કરીશ. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલનને જોતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકારે ગૌણ સેવા પસંદગી મંડળને 2 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે.