ઉન્નાવ દુષ્કર્મ કેસ: પીડિતા હારી જિંદગીની જંગ, પિતાએ માંગ્યો હૈદરાબાદ જેવો ન્યાય
નવી દિલ્હી
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં આગના હવાલે કરાયેલ દુષ્કર્મ પીડિતાનું ગત મોડી રાત્રે 11.40 વાગ્યે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. યુવતીને ગુરૂવાર સાંજે એકલિફ્ટ કરીને લખનઉની શ્યામ પ્રસાદ મુખર્જી (સિવિલ) હોસ્પિટલથી દિલ્હી લવાઇ હતી. દિલ્હી એરપોર્ટથી સફદરગંજ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ડોકટરે કહ્યું હતું કે પીડિતાનું શરીર 90 ટકા બળી ચૂકયું છે. પીડિતાએ શુક્રવાર સવારે જ ડૉકટરને પૂછયું હતું કે શું હું બચી જઇશ?
ઉન્નાવમાં દુષ્કર્મ કાંડ બાદ પીડીતાને સળગાવી દેવામાં આવી હતી. ગત રાત્રે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. પીડિતાના પિતાએ કહ્યું કે પ્રશાસને દીકરીના મોતની માહિતી આપી નથી. ત્યાં દીકરી માટે ન્યાયની મદદ માગતા તેમણે કહ્યું કે દીકરીની સાથે દરિંદગી કરનાર આરોપીઓને ફાંસીની સજા આપો અથવા તો દોડાવી-દોડાવીને મારી નાંખો.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, જે રીતે હૈદરાબાદ કાંડના આરોપીઓને માર્યા એવી જ રીતે અમારી દીકરીના આરોપીઓને દોડાવી-દોડાવીને મારવા જોઇએ અથવા તો ફાંસી આપવી જોઇએ. તેમણે કહ્યું કે આરોપીઓને સજા મળ્યા બાદ દીકરીના આત્માને શાંતિ મળશે.