હૈદરાબાદ એન્કાઉન્ટર પર CJI બોબડેએ કહ્યું-ન્યાય ક્યારે ઉતાવળ કે ઉશ્કેરાટમાં ન કરવો જોઈએ
જોધપુર
હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટરને લઈને ચારે બાજુ ચકચાર મચ્યો છે. ઘણા લોકો પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે તો કેટલાક લોકો પોલીસની આજ કામગીરી ઉપર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે ને સાથે સાથે આ ઘટનાની જાંચ માટે અપીલ કરી રહ્યા છે. હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર વિશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીઓને એન્કાઉન્ટરમાં મારવાની ઘટનાની નિંદા કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ એસ.એ બોબડેએ કહ્યું છે કે, ન્યાય ક્યારે ઉતાવળ કે ઉશ્કેરાટમાં ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, જો ન્યા બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે તેનું મૂળ ચરિત્ર ગુમાવી દે છે.
જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતના ઉદ્ધાટન સમારોહમાં જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે, હું નથી માનતો કે ન્યાય ક્યારેય ઉતાવળમાં કરવો જોઈએ. હું માનુ છું કે, ન્યાય જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે તેનું મૂળ સ્વરૂપ ગુમાવી દે છે. તેમણે કહ્યું કે, ન્યાયને ક્યારે બદલાની સ્વરૂપ ન આપવું જોઈએ.
નોંધનીય છે કે તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના 4 આરોપીઓના એન્કાઉન્ટર સામે સવાલ ઉભા થવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટમાં શનિવારે આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર, તપાસ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. અરજી કરનાર એડ્વોકેટ જીએસ મણિ અને પ્રદીપ કુમાર યાદવે કહ્યું છે કે, આ મામલે પોલીસે 2014ની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન નથી કર્યું.