મ.દે.વિદ્યાલય: મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ શિબિર- બીજો દિવસ
હાલીસા
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ સાદરા દ્વારા આયોજિત સાત દિવસીય એન.એસ.એસ. શિબિર હાલીસા ખાતે વિવધ પ્રકારના સેવાકીય કામો હાથ ધરાયા છે. ગૂજરાત વિદ્યાપીઠની કેળવણીમાં ઉચ્ચ શિક્ષણ માં પણ હેડ, હાર્ટ અને હેન્ડ એટલે કે શિક્ષણની સંકલ્પના માત્ર વર્ગ શિક્ષણ સુધી સીમિત ના રાખતા વિદ્યાર્થીને શ્રમ અને જાત અનુભવ દ્વારા જીવનના વિવિધ આયામો પરત્વે સભાનતા કેળવવી, શ્રમનો મહિમા અને કોઈ પણ કાર્ય હલકું કે ઉતરતી કક્ષાનું નથી જેવા પાસાઓને આવરીને આ સાત દિવસીય શિબિરમાં સઘન કેળવણી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ હોંશથી ભાગ લઇ તેમના જીવનના યાદગાર સંભારણાને સ્વરૂપ આપે છે.
પ્રત્યેક શિબિરાર્થીઓને ચોક્કસ સમય પત્રક અનુસાર કાર્ય કરવાનું હોય છે. જે અંતર્ગત સદર શિબિરમાં વિદ્યાર્થીઓના કુલ સાત જૂથ પાડવામાં આવ્યા છે. દરેક ટુકડીને ભારતના પ્રમુખ ધર્મોના ધર્મગ્રન્થના નામોથી નામકરણ કરવામાં આવ્યું છે. દરેક ટુકડી પોતાના ક્રમ અનુસાર પ્રભાત ફેરી, ગ્રામ સફાઈ, રસોઈ કાર્ય, કેમ્પસ સફાઈ, લોક સંપર્ક જેવા કામોમાં પ્રવૃત્ત રહે છે. જયારે બપોરના સમયમાં મહાત્મા ગાંધી લિખિત ગ્રામ સ્વરાજ પુસ્તકનું મનન અધ્યયન કરી ગાંધીજીના વિચારોના ભારત, ગ્રામ જીવન ગ્રામ સંકલ્પના વિષે ઊંડી સમજ કેળવવાનું સુંદર સરાહનીય કાર્ય થઇ રહ્યું છે.
આજના ગ્રામસફાઈ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ હાલીસા ગામની વિવિધ શેરીઓ, જાહેર રસ્તાઓ અને હાઇસ્કુલ પટાંગણની સફાઈ હાથ ધરી હતી. લોક સંપર્ક દ્વારા વિદ્યાર્થીઓ ગામના પરિવારો સાથે વ્યક્તિગત સંપર્ક કરી ગામના સોહાર્દને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બૌદ્ધિક સત્રમાં ‘ગ્રામ સ્વરાજ’ પુસ્તકના બે પ્રકારનો ખાદી અને હાથ કાંતણ તથા ખેતી અને પશુપાલન કે જે ભારતની ગ્રામ્ય વ્યવસ્થા સાથે સુપેરે સંલાયેલા છે તેના વિષે બૃહદ ચર્ચા કરી ગ્રામ જીવનને સ્વાયત્ત બનાવવાની દિશામાં તથા અહિંસક, શહેરીકરણની ગુલામી માનસિકતા મુક્ત અને શોષણમૂક્ત સંસ્કારી સમાજ રચનામાં યુવાનોની ભૂમિકા વિષે ચર્ચા કરી તે દિશામાં કેવા પગલા ભરવા જરૂરી છે તે વિષયપર મંથન કર્યું હતું.
સાંજના લોક સંપર્ક સત્રમાં વિદ્યાર્થીઓને ગામના લોકોનો સંપર્ક કરી તેમનામાં પ્લાસ્ટિકથી થતા પ્રદુષણની ભયાનકતા, તેનાથી જમીનને થતા દૂરવર્તી નુકશાન વિષે જાગૃતિ તથા સભાનત કેળવાય તથા કચરાના સુંદર આયોજનથી ગામને સાફ રાખી રળિયામણું બનાવવા માટેની જાગૃતિ કેળવાય તેવી વાત મુકવા જણાવાયુ હતું.
સમગ્ર શિબિર અને તેની વિવિધ પ્રવૃતિઓમાં ગામલોકોનો પણ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે મહાવિદ્યાલયના અધ્યાપકો ડૉ. રાજેન્દ્ર જોષી, ડૉ. મોતી દેવું, ડૉ. કનું વસાવા, ડૉ. ધ્વનિલ પારેખ, ડૉ. અમરેન્દ્ર પાંડે તથા ડૉ. દિવ્યેશ ભટ્ટ તથા ગૃહપતિ શ્રી જયેશભાઈ રાવલ સતત માર્ગદર્શન પૂરું પડી રહ્યા છે. હાલીસા ગામના યુવા સરપંચ ભરતભાઈ રબારી અને ગામલોકોનો સતત સાથ સહકાર મળી રહ્યો છે.