સાબરમતી નદીમાં ડુબી જતાં પેથાપુરના યુવાનનું મોત
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર નજીકની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે હજુ પણ નદીમાં નીર યથાવત રહયા છે ત્યારે સંત સરોવર પણ ભરાઈ જવાથી પેથાપુર સુધી નદી બે કાંઠે લાગી રહી છે. ત્યારે પેથાપુર ગામમાં રહેતો ર૬ વર્ષીય યુવાન ગઈકાલે આ પાણીમાં તણાઈ ગયો હતો. જેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો ત્યારે આજે સવારે ફતેપુરા પાસેથી ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે આ યુવાનનો મૃતદેહને બહાર કાઢયો હતો.
ગાંધીનગર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં દર વર્ષે પાણીનો આવરો વધવાની સાથે યુવાનો દ્વારા નદીમાં નહાવા માટેનો ધસારો વધી જતો હોય છે જો કે આ સ્થિતિના કારણે નદીમાં ડુબી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે. છેલ્લા દસ દિવસમાં બે યુવાનોના નદીમાં નહાવા જતા ડુબી જવાથી મોત નીપજયા છે ત્યારે ગઈકાલે સાંજના સમયે પેથાપુર ગામમાં રહેતો ર૬ વર્ષીય યુવાન વિમલસિંહ ગોવિંદસિંહ ચાવડા સાબરમતી નદીમાં નહાવા માટે ગયો હતો તે દરમ્યાન અચાનક જ તે પાણીમાં ડુબી ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેને શોધવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ વિમલસિંહનો કોઈ પતો લાગ્યો નહોતો. દરમ્યાનમાં આ ઘટના અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ થઈ જતાં ફાયર બ્રિગેડે કામગીરી બંધ રાખી હતી અને આજે સવારે ફરીથી યુવાનનો શોધખોળ શરૃ કરતાં ફતેપુરા પાસેથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટના અંગે પેથાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.