NRCના નવા કાયદાનો ગુજરાત પણ અમલ કરશે અને કોઈ નાગરિકને તકલીફ નહીં પડે: સીએમ રૂપાણી
ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ફાયનાન્સીયલ સિટી બને તેવું PM મોદીનું સ્વપ્ન હતું માટે ગિફ્ટ સિટીના વિકાસમાં નવું પીંછું ઉમેરાયું છે
ગાંધીનગર
રાજ્યસભામાંથી ગૃહમંત્રી અમિત શાહે એનઆરસીનું બિલ પાસ કરાવ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આખા દેશમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (NRC) ની કવાયત તેજ થઈ ગઈ છે. દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરવા માટે NRC બિલ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એક પછી એક રાજ્યમાં તેની અમલવારી શરૂ કરી દીધી છે. એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખની ખાતરી કરવામાં આવે છે અને તેને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. હવે આ દિશામાં ગુજરાતમાં પણ ગેરકાયદેસર રહેતા લોકોની માહિતી એકત્ર કરવા માટે ઓર્ડર આવી ગયા છે.
ગુજરાતમાં NRCની કવાયત તેજ થઈ ગઈ છે. NRCને લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગેરકાયદેસર લોકોની માહિતી એકત્ર કરવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે. ગુજરાતમાં NRC હેઠળ બાંગ્લાદેશી, પાકિસ્તાનથી આવેલા લોકોની માહિતી એકત્ર કરાશે.
આજે કેબિનેટની બેઠક બાદ CM વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ફાયનાન્સીયલ સિટી બને તેવું PM મોદીનું સ્વપ્ન હતું માટે ગિફ્ટ સિટીના વિકાસમાં નવું પીંછું ઉમેરાયું છે. આ સાથે જ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ NRC કાયદાને લઇ કહ્યું કે, દરેક રાજ્યોએ NRCના કાયદાનો અમલ કરવો જ જોઈએ, NRCના નવા કાયદાનો ગુજરાત પણ અમલ કરશે અને NRCના કાયદાથી દેશના કોઈ નાગરિકને તકલીફ નહીં પડે. વધુમાં વિરોધપક્ષને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, વિરોધ કરી રાજકીય રોટલા સેકવાનો વિરોધપક્ષનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેઓ પોતાના પ્રયાસમાં ક્યારેય સફળ થઇ શક્શે નહી.