દુષ્કર્મ આચરનાર પાકિસ્તાની તબીબ સામે ફોરેન એક્ટની કલમ પણ લગાવાશે
ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં ગત તા.રરમીના રોજ ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલી યુવતિ પર રાત્રીના સમયે આ હોસ્પિટલમાં ફરજ બજાવતાં કર્મચારી ચંદુ ઉર્ફે ચંદ્રકાંત તેમજ તબીબ ડો.રમેશ ચૌહાણ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સવારના સમયે યુવતિને આ ઘટના અંગે જાણ થઈ હતી અને ત્યારબાદ પરિવારજનોને જાણ કરી હતી. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતિની ફરિયાદના આધારે કર્મચારી અને તબીબ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. આ ગુના બાદ પોલીસે યુવતિની વિગતવાર પુછપરછ કરી હતી અને તેનું મેડીકલ પણ કરાવ્યું હતું. પોલીસે આ બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારબાદ આજે તેમના રીમાન્ડ પુરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બન્ને આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. નોંધવું રહેશે કે પોલીસની તપાસમાં આરોપી તબીબ રમેશ ચૌહાણ મુળ પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું છે.
વળી તેની પાસે અમદાવાદ જિલ્લા સિવાય અન્ય કયાય બહાર કામ કરવાની પરવાનગી પણ નહોતી તેમ છતાં એપોલો દ્વારા તેને ગાંધીનગરમાં ફરજ ઉપર રાખવામાં આવ્યો હતો. વિદેશી નાગરિક દ્વારા કરવામાં આવેલા આ હીચકારા કૃત્યને પગલે હવે તેની સામે ફોરેન એકટની કલમ પણ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આગામી દિવસોમાં અડાલજ પોલીસ લગાડી દેશે. પોલીસે તપાસના ભાગરૃપે બન્ને આરોપીઓના કપડાં પણ કબ્જે લીધા છે અને તેની બારીકાઈથી તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ ઘટના બાદ એપોલો હોસ્પિટલ દ્વારા પણ બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. તો પોલીસને ભોગ બનનારનો પ્રાથમિક રીપોર્ટ પણ મળ્યો છે જેમાં તેણી ઉપર દુષ્કૃત્ય આચરાયું હોવાની ફરિયાદને સમર્થન મળે છે.