કોંગ્રેસ 12 જેટલા વિવાદાસ્પદ MLAની ટિકિટ કાપશે, 45 જેટલા MLAને રિપીટ કરશે
ગાંધીનગર :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટોની ફાળવણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેટલીક બેઠકો પર ઉમેદવારોને ટિકિટ ફાળવવાની મૌખિક બાંયધરી આપીને ચૂંટણીની તૈયારી કરવાની કામગીરીમાં લાગી જવાની સૂચના આપવામાં આવી છે. મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરાય તેવી શક્યતા છે, સિવાય કે 10થી 12 બેઠકો વિવાદાસ્પદ છે તે બેઠકો પર છેલ્લી ઘડીએ ક્યાં ફેરફાર આવે તેની પર કોંગ્રેસ મીટ માંડીને બેઠી છે.
જે લોકોને રિપીટ કરવાના છે તેમને ખાનગીમાં કહેવાઈ ગયું
કોંગ્રેસની કોર કમિટીની બેઠક પરિણામલક્ષી રહી છે. ટોચના નેતાઓ એક વાત પર સહમત થયા છે કે કોને રિપીટ કરવા અને કોને ન કરવા. જે લોકોને રિપીટ કરવાના છે તેમને ખાનગીમાં કહેવાઈ ગયું છે. જ્યારે જે લોકોની ટિકિટ જોખમમાં છે તેમની સમક્ષ મોવડીમંડળ મગનું નામ મરી પાડતું નથી. જોકે 10થી 12 બેઠકો વિવાદાસ્પદ છે તે બેઠકો પર સહમતી સધાય તો તે ધારાસભ્યોને જ રિપીટ કરાશે, પણ મોટાભાગે તે બેઠકો પર વિવાદ હોવાથી આવી બેઠકો પર અંતિમ દિવસોમાં નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.
કોંગ્રેસ 57 પૈકી 45 જેટલા MLAને રિપીટ કરશે
આવા સંજોગોમાં એક બાબત માની લેવાય છે કે કોંગ્રેસ 57 પૈકી 45 જેટલા ધારાસભ્યોને રિપીટ કરશે. આ 45 ધારાસભ્યોમાં કોના નામ આવશે તે પણ નક્કી છે, પણ તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નહીં. વધુમાં ધારાસભ્ય ન હોય અને માત્ર સંગઠનમાં કામ કરતા હોય તેવા કેટલાક ઉમેદવારોને પણ મૌખિક રીતે ચૂંટણીની તૈયારી કરવાનું કહી દેવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા સહિતની કેટલીક બેઠકો પર ઉમદવારોએ તૈયારી આરંભી દીધી છે.