PMના 67માં બર્થડેની અનોખી ઉજવણી: 67 કલાક સુધી યોજાશે 67 કાર્યક્રમ
લીમખેડા: લીમખેડા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મ દિવસ પ્રસંગે દાહોદમાં ભાજપના કાર્યકરો 67 કલાક સુધી વિવિધ 67 કાર્યક્રમો કરશે તેવી માહિતી રાજ્યના ગૃહ મંત્રીએ આપી હતી. ગૃહમંત્રી અને દાહોદના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન 17મી સપ્ટેમ્બરે 67મો જન્મ દિવસ લીમખેડામાં ઉજવવાના છે ત્યારે આ કાર્યક્રમમાં સિંચાઇ-પીવાના પાણીનાં કાર્યક્રમો, આદિવાસીઓના વન અધિકાર પત્રોનાં કાર્યક્રમો પણ આ સાથે જોડાયેલા છે.
જાહેર સભા માટે 2.75 લાખ ચો. ફૂટનો સામિયાણો
લીમખેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાનાર છે. જેમાં 2 લાખ 75 હજાર ચોરસ ફુટનો વિશાળ સમીયાણો બનાવાઈ રહ્યો છે. 70 હજાર માણસોની બેઠક વ્યવસ્થા અને 70 માણસો માટેના સ્ટેજ સહિત ત્રણ જર્મન અને ચાર આર્યનના ડોમ બનશે. સમીયાણા માટે એક કરોડનો ખર્ચ થનાર છે.
PMને ખુશ કરવા શ્રાદ્ધમાં એરપોર્ટનું ઉદ્ઘાટન
વડોદરાના ઇન્ટર્નેશનલ કક્ષાના એરપોર્ટ બિલ્ડીંગના ઉદ્ધાટન માટે કેટલાય મહિનાઓથી કવાયત ચાલી રહી છે. પરંતુ કામગીરી અધૂરી હોવાથી હજુ તારીખ નક્કી નથી થઇ શકતી ત્યારે આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી તેમને ખુશ કરવા કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા શ્રાદ્ધ પક્ષને અવગણી ઉદ્ઘાટન કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વડાપ્રધાનની પારખી નજરથી પરિચિત અધિકારીઓ સહમત થયા નહોતા. વડાપ્રધાનની વર્ષગાંઠ છે એજ દિવસથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે ત્યારે અધૂરા કામે વહાલા થવા થઇ રહેલા પ્રયાસથી એરપોર્ટ સત્તાધીશો ગભરાયા હતા.