ગણેશોત્સવની પૂર્ણાહુતિ: ભક્તજનોએ અશ્રુભીની આંખે ગણેશજીને વિદાય આપી
અમદાવાદ,ગુરૃવાર
અમદાવાદ શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિવિધ માર્ગો પર ગણેશ મહાવિસર્જન યાત્રાઓ નીકળી હતી. ગણેશોત્સવ દરમિયાન સતત ૧૦ દિવસ સુધી ગણપતિજીની મૂર્તિની ઘરો તેમજ સાર્વજનિક પંડાલોમાં સ્થાપના કરીને ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવી હતી. જેમાં આજે તમામ મૂર્તિઓનું નદી અને પવિત્ર કુંડોમાં વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. સાબરમતી નદી પરના વિવિધ બ્રિજો પરથી આજે ૬ ફૂટ જેટલી ઉંચી આશરે ૨ હજાર મોટી મૂર્તિઓને ક્રેનોની મદદથી નદીમાં વિસર્જીત કરાઇ હતી. જ્યારે દશેક હજાર જેટલી નાની મૂર્તિઓને નદી, કેનાલ અને કુંડોમાં વિસર્જીત કરાઇ હતી. મોડી રાત સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી.
આજે ભાવિકભક્તોએ ભીનિ આંખે તેમજ હૃદયમાં અપાર શ્રદ્ધા સાથે ભગવાન ગણેશજીને વિદાય આપી હતી. આ વખતે શહેરમાં ૩૦૦ સ્થળોએ સાર્વજનીક રીતે ગણેશજીની મોટી મૂર્તિઓનું સ્થાપન કરાયું હતું . આરતી બાદ ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથેના ગીતો સાથે શહેરના માર્ગો પર આઇશર, ટેમ્પો, ટ્રેક્ટર, ટ્રકો તેમજ ઉંટલારીઓમાં ગણેશજીની મૂર્તિ સાથે વિશાળ વિસર્જન યાત્રાઓ નીકળી હતી. અબીલ-ગુલાલની છોળો વચ્ચે નાના બાળકો, યુવાનો સહિતના ભક્તો ઝૂમી ઉઠયા હતા.
શહેરમાં ઠેરઠેર નીકળેલી ગણેશ યાત્રાઓને લઇને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઇ હતી. જેમાં કાલુપુર, રખિયાલ, ખમાસા, રાયપુર, એલિસબ્રિજ, જમાલપુર સહિતના વિસ્તારોમાં સાંજે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. શહેરમાં નદીના પટમાં ૨૪ સ્થળોએ તેમજ શહેરમાં અલગ-અલગ જગ્યાએ કુલ ૨૦ કુંડો કોર્પોરેશન દ્વારા બનાવાયા હતા. જેમાં તમામ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું.
એલિસબ્રિજ, સરદારબ્રિજ, ઇન્દિરાબ્રિજ પર ૬ ફૂટ જેટલી મોટી મૂર્તિઓને ક્રેઇનો દ્વારા પધરાવાઇ હતી. ત્યારે સાંજે એકસામટી વધુ મૂર્તિઓ આવી જતા લાંબી લાઇન લાગી ગઇ હતી. જેના કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.વિસર્જન યાત્રા દરમિયાન મોડી રાત સુધીમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.