લો બોલો આખે આખી ભરતી જ ખોટી…?
ગાંધીનગર
ભારતીના નામે ભોપાળું. ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશનના ભળતા નામે પેપરમાં બનાવટી જાહેરાત આપવા મુદ્દે ગાંધીનગર સેક્ટર-7માં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 જાન્યુઆરીએ એક સમાચારપત્રમાં જુદી-જુદી જગ્યા માટે અરજીઓ મંગાવાઈ હતી. જોકે, આ બાબત ગુજરાત અર્બન ડેવલમેન્ટ મિશન વિભાગ દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને લોકો આવી બનાવટી ભરતી જાહેરાતના પ્રલોભનમાં ન આવવા કહ્યું છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં આેફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મનિષા ઓમકાર તિવારીએ સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 2 જાન્યુઆરીએ આવેલી જાહેરાતમાં ગુજરાત અર્બન સ્કિલ ડેવલોપમેન્ટ મિશનના નામે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. જેમાં gusdm.org.in પર અરજી કરવાનું કહેવાયું હતું. વેબસાઈટ જોતા કચેરીનું સરનામું, પ્રોજેક્ટની લગતી વિગતો, પોલિસી તથા આરટીઆઈ મેન્યુઅલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) વિભાગને લગતી જોવા મળી હતી.
આથી ખોટી જાહેરાતથી ઉમેદવાર દીઠ રૂ. 300 પડાવવાનું ષડયંત્ર હોવાનું શંકા છે. આ મુદ્દે વિભાગે સેક્ટર 7માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ અંગે કરાયો છે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કોઈ જાહેરાત આપી નથી એટલે ગેરમાર્ગે દોરાવું નહીં.