જન્મ દિવસે માતાના આશિર્વાદ લેવા પૂર્વે વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં
ગાંધીનગર, ગુરૃવાર
ગુજરાત છોડી વર્ષ ર૦૧૪માં ભારતનું શુકાન સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજીવાર ગાંધીનગરની મુલાકાતે આવી રહયા છે. આવતીકાલે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન આવશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કર્યા બાદ તા.૧૭ સપ્ટેમ્બરે સવારે રાયસણ સ્થિત સોસાયટીમાં રહેતાં તેમના માતા હીરાબાના આશિર્વાદ લેવા પહોંચશે. ત્યારબાદ તેઓ ફરી રાજભવન આવી ૧૧.૩૦ કલાકે હેલીપેડ ખાતેથી દક્ષિણ ગુજરાતમાં તેમના કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાનની આ મુલાકાતને પગલે ગાંધીનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટથી ગાંધીનગર સુધીના માર્ગો ચકચકાટ કરીને ચાંપતો સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગરમાં આવવાના છે.
વડાપ્રધાન પદના શપથગ્રહણ બાદ બીજીવાર નરેન્દ્ર મોદી ગાંધીનગર આવી રહ્યા છે. તેને લઈ પણ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન થઈ રહયું છે.જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ એરપોર્ટથી રાયસણ સુધી સુરક્ષાને લગતી બાબતોની બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.અગાઉ ઝેડ પ્લસ સિક્યુરીટી ધરાવતાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને બંદોબસ્ત કરેલા છે પરંતુ હવે વડાપ્રધાન તરીકે તેમની સુરક્ષા કરવાની છે ત્યારે ગાંધીનગર પોલીસ સુરક્ષામાં કોઈ કચાશ રાખવા માંગતી નથી માટે વડાપ્રધાનના બંદોબસ્ત માટે ગાંધીનગર ઉપરાંત સમગ્ર રેન્જમાંથી પોલીસ અધિકારી જવાનો અને એસઆરપી બોલાવવામાં આવેલ છે.
આવતીકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યા બાદ રોડ માર્ગે તેઓ સીધા રાજભવન ખાતે આવી પહોંચશે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ તા.૧૭મીએ તેમના જન્મ દિવસ નિમિત્તે રાયસણ સ્થિત તેમના માતૃશ્રીના નિવાસ સ્થાને આશિર્વાદ લેવા માટે પહોંચશે.
વડાપ્રધાન ત્યાંથી પરત રાજભવન આવશે અને રાજભવનથી સચિવાલયના હેલીપેડ પહોંચશે. જ્યાંથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે જવા માટે રવાના થશે. દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પતાવી તેઓ સુરત એરપોર્ટ ઉપરથી હવાઈ માર્ગે દીલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાનની આ મુલાકાતને લઈ ગાંધીનગર પોલીસે તકેદારીના ભાગરૃપે ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારોમાં રાઉન્ડ ક્લોક પેટ્રોલીંગ કરી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર નજર રાખી રહી છે. તો વડાપ્રધાન એરપોર્ટથી રાયસણ જવાના હોવાથી આ સમગ્ર માર્ગ ચકચકાટ કરી દેવા માટેની તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. એટલું જ નહીં માર્ગની બંને બાજુ ઉગી નીકળેલાં ઝાડી – જાખરા કાપવામાં આવી રહ્યાં છે. મહાનગરપાલિકાને સમગ્ર રૃટની સફાઇની જવાબદારી સોંપવામા આવી છે.
તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માર્ગ ઉપરથી પસાર થવાના છે તે માર્ગ ઉપર રખડતાં ઢોરો ન આવી ચઢે તે માટે ખાસ વ્યવસ્થા જોવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેથી કોર્પોરેશનની ટીમો દ્વારા આ માર્ગો ઉપર રખડતાં ઢોરો પકડવા માટેની કામગીરી શરૃ કરી દેવાઇ છે. એટલું જ નહીં વડાપ્રધાનના આ રૃટ ઉપર બે દિવસ સુધી લારી-ગલ્લા પણ બંધ રાખવા માટે પોલીસ દ્વારા તાકીદ કરી દેવામાં આવી છે.