મારા નિવેદનથી કોઈ પણની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું નિવેદન પાછું લઉં છું: સંજય રાઉત
મુંબઈ
પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પર આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને શિવસેના સાંસદ સંજય રાઉત એ પરત લઈ લીધું છે. તેઓએ કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈ પણની લાગણીને ઠેસ પહોંચી છે તો હું તેના માટે માફી માંગું છું. મેં હંમેશા કૉંગ્રેસના નેતાઓનું સમર્થન કર્યું છે. કૉંગ્રેસની આપત્તિ પર સંજય રાઉતે કહ્યું કે, મેં હંમેશા ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિ જે સન્માન દર્શાવ્યું, તે વિપક્ષમાં હોવા છતાંય કોઈએ નથી દર્શાવ્યું. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું છે, હું તેમના માટે ઊભો રહ્યો છું.
એક કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉતે બુધવારે દાવો કર્યો હતો કે ઈન્દિરા ગાંધી કરીમ લાલા સાથે મુલાકાત કરતાં હતાં. કરીમ લાલા, મસ્તાન મિર્ઝા ઉર્ફ હાજી મસ્તાન અને વરદરાજન મુદલિયાર મુંબઈના મોટા માફિયા ડૉન હતા, જે 1960થી લઈને એંસીના દશક સુધી સક્રિય રહ્યા.
કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરા અને સંજય નિરૂપમે આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી. દેવરાએ કહ્યું કે રાજનેતાઓને તે વડાપ્રધાનોની વિરાસત ખોટી રીતે રજૂ કરવાથી બચવું જોઈએ જે હવે આ દુનિયામાં નથી. તેઓએ ટ્વિટ કર્યું કે, ઈન્દિરાજી એક સાચા દેશભક્ત હતાં, જેઓએ ક્યારેય ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સમજૂતી નથી કરી.