ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી
અમદાવાદ
સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાના ઠંડા પવન ફરી વળતા કડકડતી ઠંડીને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાજ્યનાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને પરિણામે આજે અમદાવાદનાં પ્રહલાદનગર ગાર્ડનમાં પણ કસરત કરતા લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી. તો કેટલાક લોકો ઠંડી મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા.
ઉત્તરાયણ પછી એટલે આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ ઉત્તર દિશાનાં ઠંડા પવનનાં અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડી ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે.