માણસા પાટીદારોની સ્વાભિમાન યાત્રાને પોલીસનું વિધ્ન નડી ગયું
માણસા :પાટીદાર અનામત આંદોલનની મહાસભા બાદ પાટીદાર યુવાનોનાં મોતની ઘટનાને એક વર્ષ પુર્ણ થતા વિજાપુર તથા માણસા તાલુકાનાં પાટીદાર સમાજ દ્વારા બુધવારે વિજાપુરથી ગાંધીનગર સુધીની પાટીદાર સ્વાભિમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી. તેમ છતાં યાત્રા કાઢવાનો પ્રયાસ થતા પોલીસે કડક હાથ કામ લઇને માણસા તાલુકામાંથી 20 જેટલા પાટીદારોની અટકાયત કરીને રેલીને દબાવી દીધી હતી. સરકાર તથા પોલીસનાં આ વલણને લઇને પાટીદાર સમાજમાં ફરી એક વખત રોષની લાગણી ભભુકી ઉઠી છે.
વહેલી સવાર જ પોલીસ યાત્રારૂટમાં ગોઠવાઇ: 20 પાટીદારોની અટકાયત
માણસા અને વિજાપુર પાટીદાર અનામત આંદોલન સમિતીના ઉપક્રમે વિજાપુરથી નીકળનારી યાત્રા અંગે પાટીદાર સમાજ દ્વારા માગવામાં આવેલી પોલીસ મંજુરીને તેમાં જરૂરી પુર્તતાઓ નહી થતાં મંજુરી આપવામાં આવી નહોતી. તેમ છતાં આ કાર્યક્રમને યથાવત રાખી કોઈપણ ભોગે રેલી કાઢીશુ તેવો પાસ અગ્રણીઓએ હુંકાર કરતા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સવારે વિજાપુર થી રેલીને નિકળવા દીઘી ન હતી.
લોદરાના પ્રવેશ માર્ગો પર પોલીસને ખડકી દઈને રેલીને નિષ્ફળ બનાવી દીધી
બપોર બાદ માણસા તાલુકામાં આ યાત્રાનો પ્રવેશ થવાનો હતો ત્યાં પુંધરા પાસે પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરી પાટીદાર રેલી અંગેના સાહિત્ય મળી આવેલી સાત ગાડીઓ અને પંદર અંગ્રણીઓની અટકાયત કરી. તેઓને ગાંધીનગર મોકલી આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન નિકળતા તમામ વાહનો તેમજ રાત્રે રોકાણ લોદરામાં હોઈ લોદરાના પ્રવેશ માર્ગેથી લઈ તમામ મહત્વના સ્થળો ઉપર પોલીસ ખડકી દઈ અન્ય કોઈ કાર્યક્રમ ન યોજાય તે રીતે રેલીને નિષ્ફળ બનાવી હતી.