અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેને મુંબઈ સુધી લંબાવાશે, 2017માં શરૂ થશે કામ
ગાંધીનગર :દિલ્હી-મુંબઈ કોરિડોરના ભાગરૂપે વડોદરા-મુંબઈ નેશનલ હાઈ-વેની એક્સપ્રેસ વે અપગ્રેડેશન માટે પસંદગી કરવામાં આવી છે. આ માટે જમીન સંપાદનની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. મોટા ભાગે 2017ના આરંભમાં જ બાંધકામ શરૂ કરી દેવામાં આવશે, તેમ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ રાજ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે.
30 હજાર કરોડના ખર્ચે ત્રણ ફેઝમાં બાંધકામ શરૂ થશે, જમીન સંપાદન શરૂ: મનસુખ માંડવિયા
આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, અત્યારે નેશનલ હાઈવે 8ને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થયેલી છે. વળી, દિલ્હી-મુંબઈ કોરિડોરના ભાગરૂપે અમદાવાદ અને વડોદરા વચ્ચે એક્સપ્રેસ-વે બની ચૂક્યો છે. છેલ્લા કેટલાય વર્ષથી આ એક્સપ્રેસ-વેને મુંબઈ સુધી એક્સ્ટેન્ડ કરવાનું અને અપગ્રેડ કરવાનું કામ અટકેલું હતું.
દિલ્હી-મુંબઈ કોરિડોરના ભાગરૂપ નેશનલ હાઈવે ઓથોરિટી 2017માં કામ શરૂ કરે તેવો અંદાજ
હવે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા 450 કિમીના આ એક્સપ્રેસ વેનું બાંધકામ કરાશે. ત્રણ ફેઝમાં આ કામગીરી હાથ ધરાશે. પ્રથમ ફેઝ મહદ્ અંશે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2017માં શરૂ થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જમીન સંપાદન કાર્ય શરૂ થઈ ગયું
મનસુખ માંડવિયાના કહેવા મુજબ, વડોદરાથી દહીસર વચ્ચે જમીન સંપાદનનું કામ પણ શરૂ થઈ ગયું છે. સુરત અને વાપીમાં જમીન સંપાદિત થઈ ગઈ, વલસાડમાં બાકી છે. રાજ્યના માર્ગ અને મકાન મંત્રી નીતિન પટેલની તબિયત સુધરે તે પછી આ અંગે જરૂરી પ્રક્રિયા હાથ ધરાશે.