ફિક્સ પગારદારોનાં 5 વર્ષ નોકરીમાં સળંગ ગણવાની સરકારની તૈયારી
ગાંધીનગર :રાજ્ય સરકારની ફિક્સ પગારની નીતિ સામે યુવાનોએ ભારે વિરોધ કર્યો છે અને આ મામલે રાજ્ય સરકારને અનેક રજૂઆતો મળતા આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફિક્સ પગારની નીતિની સમીક્ષા માટે તાકીદની બેઠક બોલાવીને તમામ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી. ફિક્સ પગારના કરાર આધારિત તેમના કરારના પ્રથમ પાંચ વર્ષ નોકરીમાં સળંગ ગણવામાં આવે તે દિશામાં રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. એકાદ બે દિવસમાં આ અંગે આદેશ જારી થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. આ નિર્ણયથી અંદાજે 2.50 લાખથી પણ વધુ કર્મચારીઓને ફાયદો થશે.
2.5 લાખથી વધુ કર્મચારીઓને બઢતીમાં લાભ થશે
હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ તેનો ચુકાદો આવે ત્યાં સુધીમાં સરકાર દ્વારા ફિક્સ પગારદારોની માંગણી સંદર્ભે શું નિર્ણય લઇ શકાય તેની ચર્ચા થઇ હતી. 5 વર્ષ કર્મચારીઓ ફિક્સ પગારમાં નોકરી કરે છે. તે સમયગાળો તેમના અનુભવ કે નોકરીના કુલ વર્ષોમાં ગણાતો નથી. રાજ્ય સરકારમાં ફરજ બજાવવા છતાં તેમને સિનિયોરિટી કે ઉચ્ચતર પગારનો લાભ વિલંબથી મળે છે. જો ફિક્સ પગારદારોના 5 વર્ષ સળંગ ગણવાની મંજૂરી મળે તો કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળી શકશે.
અગાઉ જોડાયેલા કર્મચારીઓને પણ લાભ: 5 વર્ષ નોકરીમાં સળંગ ગણવાનો લાભ માત્ર હાલના કર્મચારીઓને નહીં, પરંતુ ફિક્સ પગારની સિસ્ટમથી નોકરીમાં જોડાયેલા અને હાલ પૂર્ણ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ થશે. તેમને પણ આ 5 વર્ષ નોકરીમાં સળંગ ગણાશે જેથી તેમને સિનિયોરિટી અને ઉચ્ચતર પગારધોરણનો સીધો લાભ મળશે.