હ્રદયરોગનાં દર્દીઓને સિવિલથી ટ્રાન્સફર જ કરી દેવામાં આવે છે!
ગાંધીનગર,ગુરુવાર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ભલે નવા રંગરૃપ આપી દેવામાં આવ્યા હોય સ્ટાફની પણ ભરતી કરી દેવામાં આવી છે. પંરતુ કલેક્ટરની સુચના છતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટની કાયમી ભરતી કરવામાં નહીં આવવાને કારણે હ્ય્દયરોગના દર્દીઓને ગાંધીનગર સિવિલમાંથી ટ્રાન્સફરની ચિઠ્ઠી બનાવીને તેમને અમદાવાદ સિવિલ કે અન્ય હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે છે.
ગાંધીનગર સિવિલ સરકારી સિવિલમાંથી કોર્પોરેટ લુકમાં આવી ગઇ છે મેડિકલ કોલેજ બનવાની સાથે જ સિવિલમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.ડોક્ટર્સથી માંડીને ક્લાસ ફોર સુધીના સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી તેમજ ઇનડોર દર્દીઓની સંખ્યા પણ વધી છે. તેવી સ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટની કાયમી ભરતી નહીં કરીને સિવિલ સત્તાવાળાઓ દર્દીઓનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. મેડિકલ સાયન્સની દ્રષ્ટીએ જોવા જઇએ તો કોઇ પણ પ્રકારની બિમારી કે રોગથી પિડાતા દર્દીને હ્ય્દયરોગ થવાની શક્યાતાઓ વધી જાય છે ત્યારે સિવિલમાં કાર્ડિયોલોજીસ્ટ નહીં હોવાને કારણે આખરે હ્ય્દયરોગના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો વારો આવે છે.
આ ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ અને આઇસીસીયુ તો અધ્યતન બનાવવામાં આવ્યું છે પરંતુ કાયમી કાર્ડિયોલોજીસ્ટના અભાવે ફિજીશીયનથી કામ ચલાવવુ પડે છે અને મોટાભાગના દર્દીઓને બે દિવસ આઇસીયુમાં રાખીને અમદાવાદ સિવિલમાં કે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવાની ચિઠ્ઠી લખી આપવામાં આવે છે. અત્રે ઉલેખ્ખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના રાઉન્ડમાં આવેલા કલેક્ટરથી લઇને મંત્રીઓએ પણ કાયમી કાર્ડીયોલોજીસ્ટ અને ન્યુરોફિજીશીયનની નિમણૂક કરવા માટે સુચના પણ આપી હતી પરંતુ સિવિલમાં મંત્રીઓની સુચનાઓનું પણ પાલનથતું નથી.