ગાંધીના ગુજરાત માં ભાજપા ના નગર સેવક બન્યા ડિસ્કો ડાન્સર, પાર્ટીએ ફટકારી નોટીસ
સુરત
સુરત મહાનગર પાલિકામાં ભાજપના નગર સેવક પિયૂષ શિવશક્તિવાલાનો દારૂના નશામાં ધૂત થઈને પોતાના મિત્રો સાથે ડાન્સ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ અંગે કોર્પોરેટરે જણાવ્યું કે, તેમની પાસે દારૂ પીવાની મેડિકલ પરમિટ છે. જો કે મેયર જગદીશ પટેલે તેને નૈતિક્તા વિરૂદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. આ ઉપરાંત પાર્ટીએ તેમને શૉ કોઝ નોટિસ પણ ફટકારી છે. જણાવી દઈએ કે, સોમવારે સોશિયલ મીડિયામાં સુરત વોર્ડ 19ના ભાજપ કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાલાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે દારૂના નશામાં ધૂત થઈને ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં દારૂની બોટલો અને નશામાં ધૂત લોકો ડાન્સ કરી રહ્યાં છે. તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, ગુજરાતના સરહદી ગામ નારગોલમાં ગત 2 થી 5 જાન્યુઆરી વચ્ચે એક ફાર્મ હાઉસ પર દારુની મહેફિલ યોજાઈ હતી. જેમાં કોર્પોરેટર પિયૂષ પોતાના મિત્રો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
પહેલા કોર્પોરેટરે દાવો કર્યો હતો કે, તેમની પાસે દારૂ પીવાની મેડિકલ પરમિટ છે અને દર મહિને દારુની 4 બોટલો તેમને મળે છે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે, તેમણે દારૂ નહતો પીધો. બોટલમાં દારું નહી પરંતુ શરબત હતું. શું તેમને ડાન્સ કરવાની પણ સ્વતંત્રતા નથી? તેમણે જણાવ્યું કે, તેઓ દેવકા ગામ ગયા હતા. નારગોલની પાર્ટીમાં થોડો મોડો પહોંચ્યો હતો. આ દરમિયાન ત્યાં દારૂની મહેફિલ જોઈને તરત જ નીકળી ગયો હતો. પોતાના બચાવમાં તેમણે જણાવ્યું કે, 7 વર્ષથી તેમની પાસે હેલ્થ પરમિટ છે. આથી તેમને દારૂ પીવા માટે પરમિટ મળી છે.
બીજી તરફ મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં દારુબંધી છે અને પરમિટ હોવા છતાં નૈતિક્તાના આધાર પર કોર્પોરેટર પિયુષ પાસે સ્પષ્ટતા માંગવામાં આવશે. ભાજપમાં આ પ્રકારની હરકતને શિષ્ટાચારનો ભંગ માનવામાં આવે છે. બીજી તરફ સુરત શહેર ભાજપ અધ્યક્ષ નીતિન ભજિયાવાલાએ જણાવ્યું કે, કોર્પોરેટરની આ હરકત ભાજપ સ્વીકાર નહીં કરે. ભાજપ આવા કોર્પોરેટરને નોટિસ મોકલીને જવાબ માંગવામાં આવશે. રાજ્યમાં દારુબંધી છે અને કોર્પોરેટરના ઘરમાં પણ જો આવી કોઈ પાર્ટી થાય છે, તો ત્યાં પણ દરોડા પડાવીશું.