કોરોના વાઇરસનો કકળાટ : ગુજરાતમાં નોંધાયા 3 શંકાસ્પદ કેસ
ચીનમાં કોરોનાવાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. આને કારણે ચીનમાં 360થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારે વાઇરસના શંકાસ્પદ કેશ ગુજરાતમાં પણ નોંધવાનું શરુ થઇ ગયું છે.ત્યારે ચીનમાં ગયેલા ભારતનાં લોકોને સરકાર પરત લાવી રહી છે. ત્યારે સાબરકાંઠાનાં બે વિદ્યાર્થીઓ સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા તેમને હાલ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે.
આ બે વિદ્યાર્થીઓની તપાસ કરવામાં એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે અન્યનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સાથે મહેસાણાની એક વિદ્યાર્થી સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની તકલીફ થતાં તેને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. તેનો રિપોર્ટ પણ હજી તપાસમાં મોકલેલો છે. મહત્વનું છે કે, સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
ચીને કોરોનાવાયરસ સામે લડવા માટે માત્ર 8 દિવસમાં આખી હૉસ્પિટલ તૈયાર કરી દીધી છે. આ હૉસ્પિટલ ચીનના વુહાન શહેરમાં બનાવવામાં આવી છે, જ્યાં કોરોનાવાયરસે સૌથી વધુ કહેર મચાવ્યો છે. ચીને કોરોનાવાયરસનાં વધતા ખતરાને જોતાં રેકોર્ડ સમયમાં બે હૉસ્પિટલ બનાવવાની વાત કરી હતી. હવે પહેલી હૉસ્પિટલ બનીને તૈયાર છે અને સોમવારથી તેને દર્દીઓ માટે ખુલી મૂકવામાં આવશે. ત્યારે ગુજરાત પણ આરોગ્ય વિભાગે સજ્જ થઇ જવું જરૂરી છે.