ગાંધીનગરગુજરાત

પેથાપુરની પ્રાથમિક શાળામાં ૨૬૩ વિદ્યાર્થીઓના માથે લટકતું મોત..!

ગાંધીનગર,રવિવાર
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓનું સ્તર સુધરે તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઘણી શાળાઓને મોડલ લુક આપવામાં આવી રહ્યો છે. પરંતુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં આવેલી વર્ષો જુની અસંખ્ય શાળાઓની હાલત જર્જરીત થઇ જવાથી અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓના માટે લટકતું મોત જોવા મળી રહ્યું છે. પેથાપુરમાં આવેલી પ્રાથમિક શાળાના ૨૬૩ જેટલા વિદ્યાર્થીઓ હાલમાં જોખમી છત સાથે અભ્યાસ કરી રહ્યાં છે.
શિક્ષણ પાછળ દર વર્ષે કરોડો રૃપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પરંતુ હજુ પણ પ્રાથમિક શિક્ષણની પરિસ્થિતિમાં કોઇ જ સુધારો ન આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

એક તરફ સરકાર તમામ પ્રાથમિક શાળાઓને મોડલ સ્કુલ બનાવવા માટે કવાયત હાથ ધરી રહ્યું છે ત્યારે ઘણી એવી શાળાઓ છે કે જ્યાં આગળ વર્ષોથી રીનોવેશનની કામગીરી કરવામાં નહીં આવતાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માથે સતત મોત મડરાઇ રહ્યું છે. આવી પરિસ્થિતિ શહેર નજીક આવેલાં પેથાપુર ગામની વર્ષો જુની શાળાના દરેક ઓરડામાં જોવા મળી રહી છે. ઇ.સ.૧૮૬૫માં આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ સમયાંતરે શાળામાં રીનોવેશનની કામગીરી કરવામાં નહીં આવતાં દરેક વર્ગખંડમાં છતના પોપડા અવાર નવાર ખરી પડે છે. શાળામાં ધોરણ-૧ થી ૮માં ૨૬૦ થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યાં છે. જિલ્લા પંચાયત હસ્તકની આ શાળામાં જે પ્રકારે રિનોવેશનની કામગીરી થવી જોઇએ તે પ્રકારે નહીં થતાં હાલમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

પંચાયત દ્વારા શાળાના નવીનિકરણ માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં નહીં આવતાં જર્જરીત થયેલી આ વર્ષો જુની શાળામાં વિદ્યાર્થીઓના માથે સતત મોત લટકી રહ્યું છે. અવાર નવાર અચાનક જ પોપડા ખરવાથી વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પણ થાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતંુ નથી. સત્વરે રીનોવેશનની કામગીરી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય પણ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x