Post Views: 100
ગાંધીનગર,રવિવાર
પ્રથમ રાઉન્ડ પુર્ણ થયા બાદ આવતીકાલથી મેલેરિયા અને મચ્છરજન્ય રોગચાળા અંગે બીજો રાઉન્ડ શરુ થઇ રહ્યો છે. જેમાં શહેર અને જિલ્લામાં હોમ ટુ હોમ સર્વે હાથ ધરવામાં આવશે.આ માટે કુલ ૭૮ ટીમો દરરોજ કામે લાગશે અને સાત દિવસમાં તમામ ઘર અને શાળાઓનો સર્વે પુર્ણ કરવાનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વખતે ચિકનગુનિયાન પગલે તાવ ઉપરાંત સાંધા જકડાઇ જતા હોય તેવા શંકાક્સપ દર્દીઓના લોહીના નમૂના પણ લેવામાં આવશે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલ મેલેરિયા અને ડેન્ગ્યુ સહિત ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના દર્દીઓમાં ચિંતાજનકરીતે વધારો થયો છે.ત્યારે આ વાહકજન્ય રોગચાળો વધુ જીવલેણ ન બને તેમજ ઓછામાં ઓછા લોકો આ રોગના ભોગ બને તે માટે આરોગ્ય કમિશનરની સુચનાથી જિલ્લા અને શહેરી આરોગ્ય વિભાગને તમામ ઘરોનો સર્વે કરવા માટે સુચના આપી હતી. રાજ્યવ્યપી આ અભિયાનના પ્રથમ તબક્કામાં ગાંધીનગર જિલ્લામાં ૯૪ ટકાથી વધુ કામગીરી થઇ હતી ત્યારે બાકી રહેલી કામગીરી અગાઉના દિવસોમાં પુર્ણ કરીને આવતીકાલથી તા. ૨૬મી સપ્ટેમ્બરથી તા.૧લી ઓક્ટોબર સુધી આ અભિયાનનો બીજો તબક્કો શરુ કરવામાં આવશે.
આવતીકાલથી પુનઃ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે ત્યારે આ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના તમામ ગામોને અને આ ગામના તમામ ઘરો તથા જાહેર બિલ્ડીંગ અને ફળિયાને પણ આવરી લેવામાં આવશે.આવી જ રીતે કોર્પોરેશનની ટીમ દ્વારા ૩૦ સેક્ટરો ઉપરાંત ગ્રામ્યવિસ્તારને પણ સર્વેલન્સની કામગીરીમાં આવરી લેવામાં આવશે. જેમાં તમામ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ વર્કર, તથા આશા બહેનો એક જ દિવસમાં એક થી બે ગામોમાં પાણી ભરેલા પાત્રોની ચકાસણી તેમજ પોરાનાશક કામગીરી કરશે.
આ ઉપરાંત ગામમાં તાવના દર્દીઓ તેમજ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના પણ લેવામાં આવશે. તો આ વખતે ચિકનગુનિયાના દર્દીઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે જેના કારણે સાંધામાં દુઃખાવાના દર્દીઓના પણ નમૂના લેવામાં આવશે.સાથે સાથે ગામમાં પ્રચાર પ્રસાર પણ કરવા કરવામાં આવશેે.એક સપ્તાહના આ તબક્કામાં તંત્ર દ્વારા જિલ્લામાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર, ફિમેલ હેલ્થવર્કર તથા આશાબહેનો દ્વારા મચ્છરનાબુદી અભિયાન અંતર્ગત ગામડે ગામડે કામગીરી કરવામાં આવશે.