પેથાપુરની પ્રાથમિક શાળામાં ૨૬૩ વિદ્યાર્થીઓના માથે લટકતું મોત..!
એક તરફ સરકાર તમામ પ્રાથમિક શાળાઓને મોડલ સ્કુલ બનાવવા માટે કવાયત હાથ ધરી રહ્યું છે ત્યારે ઘણી એવી શાળાઓ છે કે જ્યાં આગળ વર્ષોથી રીનોવેશનની કામગીરી કરવામાં નહીં આવતાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માથે સતત મોત મડરાઇ રહ્યું છે. આવી પરિસ્થિતિ શહેર નજીક આવેલાં પેથાપુર ગામની વર્ષો જુની શાળાના દરેક ઓરડામાં જોવા મળી રહી છે. ઇ.સ.૧૮૬૫માં આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ સમયાંતરે શાળામાં રીનોવેશનની કામગીરી કરવામાં નહીં આવતાં દરેક વર્ગખંડમાં છતના પોપડા અવાર નવાર ખરી પડે છે. શાળામાં ધોરણ-૧ થી ૮માં ૨૬૦ થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યાં છે. જિલ્લા પંચાયત હસ્તકની આ શાળામાં જે પ્રકારે રિનોવેશનની કામગીરી થવી જોઇએ તે પ્રકારે નહીં થતાં હાલમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
પંચાયત દ્વારા શાળાના નવીનિકરણ માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં નહીં આવતાં જર્જરીત થયેલી આ વર્ષો જુની શાળામાં વિદ્યાર્થીઓના માથે સતત મોત લટકી રહ્યું છે. અવાર નવાર અચાનક જ પોપડા ખરવાથી વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પણ થાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતંુ નથી. સત્વરે રીનોવેશનની કામગીરી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય પણ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે.