ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ વિભાગે કર્યો મોટો નિર્ણય
ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. અગાઉ શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે ધોરણ 3 થી 12ની પરિક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. અત્યાર સુધી આ પરીક્ષાઓ શાળાઓ દ્વારા લેવામાં આવતી હતી.
શિક્ષણ વિભાગનો આ નિર્ણય રાજ્યની 55 હજાર જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આ નિર્ણય લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં 1.25 કરોડ બાળકો અભ્યાસ કરે છે. આ તમામ સ્કૂલોમાં એકસમાન છ માસિક અને વાર્ષિક પરીક્ષા પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકોના આધારે જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે.
આટલું જ નહી આ નિર્ણય પ્રમાણે ખાનગી પ્રકાશનોનો ઉપયોગ પણ નહી કરી શકાય. આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જે વિદ્યાર્થીઓ નબળા હશે, તેમને અલગથી શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન શાળાના શિક્ષકોની જગ્યાએ અન્ય શાળાના શિક્ષકો કરશે.