વડોદરા: તગડી ફી વાસુલાનારી સ્કુલોમાં અસુવિધા, વર્ગમાં પંખો પડતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
વડોદરા
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બુધવારે સાંજે 5:30 વાગ્યે બ્રાઇટ સ્કૂલમાં સીબીએસઇ ધો-3ના એફ ક્લાસમાં ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો. જેમાં ગુણેશ ગુણેશ નિલેશભાઇ ચિતાલીયા નામનો વિદ્યાર્થીના માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને આઠ ટાંકા આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થિનીને સામાન્ય ઇજા થઇ હતી. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેરની બ્રાઇટ ડે સ્કૂલમાં તગડી ફી વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં સ્કૂલમાં યોગ્ય સુવિધાઓ અપાતી નથી. પંખાનું સમયસર મેઇન્ટનન્સ ન કરાતુ હોવાથી ચાલુ ક્લાસમાં પંખો તૂટીને નીચે પડ્યો હતો. ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સ્કૂલમાં મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા છે.
બ્રાઇટ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉપર પંખો પડવાની ઘટનાને પગલે વાલીઓ સ્કૂલમાં દોડી ગયા હતા. અને શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ગુણેશના પિતા નિલેશભાઇ ચિતાલીયાએ જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં પંખા બરાબર ફિટીંગ કરેલા નહોતા. જેથી વાઇબ્રેશનને કારણે પંખાનો નીચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં મારા દીકરા ઉપર પંખો પડતા તેને માથાના ભાગે 8 ટાંકા આવ્યા છે અને 60 એમ.એમ.નો કાપો પડી ગયો છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને કારણે મારા દીકરા પર પંખો પડ્યો હતો. પંખાનું લોકીંગ પણ બરાબર કરેલુ નહોતુ. આ ઘટનાના આગળના દિવસે જ બીજા ક્લાસના વિદ્યાર્થીઓ ફરિયાદ કરી હતી કે, પંખામાં અવાજ આવે છે, પરંતુ સંચાલકો અને શિક્ષકોએ ગંભીરતા લીધી નહોતી. સંચાલકો દ્વારા અમને એવુ કહ્યું છે કે, વાલીઓની કમિટીની બનાવવામાં આવશે અને કમિટી સ્કૂલમાં ઓડિટ કરશે.