કેમ છો ટ્રમ્પ : અમદાવાદ લોખંડી સુરક્ષા ઘેરામાં હશે સ્ટેડિયમ, ગાંધી આશ્રમ : સીસીટીવી સુસજ્જ થયા
અમદાવાદ :
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની યાત્રાને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેનાર છે જેમાં અમેરિકી સુરક્ષા સંસ્થાઓ પણ ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત રહેશે. સાથે સાથે ભારતીય સુરક્ષા સંસ્થાઓના અધિકારીઓ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને અન્ય સુરક્ષા ટીમો દ્વારા ચકાસણી શરૂ થઇ ચુકી છે. ટ્રમ્પ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લેનાર છે જેને ધ્યાનમાં લઇને ગાંધી આશ્રમ નજીક આવેલી ત્રણ સોસાયટીઓના નિવાસીની ચકાસણી પણ થનાર છે જેમાં ઇસ્કોન રિવર સાઇડ, શીલાલેખ અને શીતલ એક્વાનો સમાવેશ થાય છે. પોલીસ ટુકડીઓ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. સુરક્ષા પ્લેટફોર્મને અભૂતપૂર્વ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મોટેરા સ્ટેડિયમની આસપાસ પણ સઘન સસુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આના ભાગરુપે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસની ટીમ સાથે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ચુક્યાછે. સિનિયર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓોનું કહેવું છે કે, ફિલ્ડ વિઝિટ કરવામાં આવી ચુકી છે. શહેર પોલીસના સાઇબર સેલ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ ખાતે તમામ સીસીટીવી કેમેરાને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી ફિડબેક મેળવવા માટે અને વ્યુ જાણવા માટે કન્ટ્રોલ રુમની રચના પણ થઇ ચુકી છે. સુરક્ષા સંસ્થાઓ માત્ર અમદાવાદ શહેર ઉપર ધ્યાન આપી રહી નથી બલ્કે સરહદ ઉપર પણ નજર રાખી રહી છે. મરીન પોલીસ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેવીને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત રખાઈ છે