અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ કિમીનો રોડ શો યોજવા સજ્જ
અમદાવાદ :
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પઅને મોદી ભવ્ય રોડ શો પણ કરનાર છે. તેમનું સ્વાગત કરવા અલગ અલગ ધર્મના લોકો અને અનુયાયીઓ પણ રહેશે. આ રોડ શોની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. બેઠકોના દોર ચાલી રહ્યા છે. બેઠકમાં દરેક ધર્મના લોકો પરંપરાગત વેશભુષા સાથે હાજર રહી ટ્રમ્પનું સ્વાગત કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ રોડ શોમાં સેંકડો સંસ્થાઓ જોડાનાર છે. દેશના અલગ અલગ પ્રાંતોના લોકો પણ પહોંચી રહ્યા છે. ૫૦૦૦૦થી વધુ લોકો ૨૨ કિલોમીટરના માર્ગમાં ટ્રમ્પ અને મોદીનુંસ્વાગત કરશે. મેયર બિજલ પટેલે માહિતી આપતા કહ્યું છે કે, આ રોડ શો સૌથી લાંબો અને અભૂતપૂર્વ રહેશે. જુદી જુદી જગ્યા પર સ્ટેજ પર અલગ અલગ ગરબા અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોનો રુટ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ-હાંસોલ અને ઇન્દિરા બ્રિજ થઇને મોટેરા સ્ટેડિયમ આવશે. આને લઇને તંત્ર દ્વારા કોઇ કચાસ ન રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આયોજનને લઇને માત્ર ભારત સરકાર નહીં બલ્કે અમેરિકી તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. વીવીઆઈપી અથવા તો અન્ય મહેમાનો હંમેશા સાબરમતી આશ્રમની મુલાકાત લેતા રહે છે. આ વખતે વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ પહોંચી રહી છે. આના ભાગરુપે સાબરમતી આશ્રમમાં પણ સીટી ક્રાઈમ બ્રાંચ સહિત સુરક્ષા સંસ્થાઓ મોરચા સંભાળી ચુકી છે. થ્રીડી સ્કેનરો મુકી દેવામાં આવ્યા છે. થ્રીડી સ્કેનર્સનો ઉપયોગ સાબરતમી આશ્રમમાં કરવામાં આવી રહ્યો છે. ગાંધીઆશ્રમ નજીકની ત્રણ સોસાયટીના નિવાસીઓને કઠોર ચકાસણીનો સામનો કરવો પડી રહ્યો છે. આના ભાગરુપે ઇસ્કોન રિવરસાઇડ સોસાયટી, શીલાલેખ અને શીતલ એક્વામાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવનાર છે. ટ્રમ્પની યાત્રા ખુબ ઐતિહાસિક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા પહોંચી રહ્યા છે.