ગાંધીનગરગુજરાત

LRD આંદોલનમાં નવો ડખો : મહિલાઓ માટે જગ્યા વધારતા હવે યુવાનોનો ત્રીજો મોરચો સક્રિય થતાં સરકાર ભીંસમાં આવી.

ગાંધીનગર :
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલા LRD આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. કારણ કે હવે મહિલાઓ બાદ પુરુષોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પુરુષો સીટોની સંખ્યામાં વધારો કરવાની માંગ સાથે આંદોલન પર ઉતાર્યા છે, તેમજ જો સરકાર આ દિશામાં કોઈ નિર્ણય ન લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકાર LRD આંદોલનના ચક્રવ્યૂહ માંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે, એટલી જ વધુ ફસાઈ રહી છે. હવે સરકાર માટે પણ આ આંદોલનના ચક્રવ્યૂહને ભેદવો સાત કોઠા વીંધવાથી જેવું કપરું બની રહ્યું છે. કેમ કે LRDનો 1-8-2018નો પરિપત્ર રદ કરવા મામલે અનામત વર્ગની મહિલાઓએ 70 દિવસથી આંદોલન પર છે. ચાર-પાંચ દિવસથી બિનઅનામત વર્ગની મહિલાઓ આંદોલન પર ઉતરી હતી. જેને પગલે સરકાર દ્વારા LRDની ભરતી માટે મહિલાઓની સીટો વધારી દીધી છે. મહિલાઓની ભરતી માટે સીટો 3077 હતી તેની જગ્યાએ 5227 કરી દીધી. પરંતુ સરકારની આ જાહેરાત થી હવે પુરુષ વર્ગ નારાજ થયો છે. હવે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર પુરુષવર્ગ મેદાને પડ્યો છે.

સોમવારે યુવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને સાથે સાથે સરકાર બંધારણનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. સત્યાગ્રહ છાવણી પર સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર સહિત અલગ અલગ જગ્યાએથી યુવાનો આવ્યા છે. એટલું જ નહીં જ્યાં સુધી પુરુષોની સીટોની સંખ્યા નહીં વધે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આંદોલન પર ઉતરેલા યુવાનોએ જણાવ્યું કે, સરકારે મહિલાઓને રાજી કરવાની લહાયમાં પુરૂષવર્ગને નારાજ કર્યો છે. બંધારણમાં મહિલાઓને 33 ટકા અનામત છે. હવે આ સીટની સંખ્યા 50 ટકા જેટલી થઈ ગઇ છે. LRDની ભરતી પ્રક્રિયામાં અગાઉ 9700 જગ્યાઓ પર ભરતી હતી, જેમાં મહિલાઓનું આંદોલન ટાળવા વધુ 2150 બેઠકો વધારી કુલ ભરતી માટે બેઠકો 11850 જેટલી કરી છે. જેમાં પરુષો માટે 6700 જગ્યા રાખી પુરુષો સાથે અન્યાય કર્યો છે.મહત્વનું છે કે ગાંધીનગરમાં અનામત આંદોલનના બે મોરચા તેમજ આદીવાસીઓના પડતર પ્રશ્ને લઈ બે મોરચા સરકાર સામે લડી રહ્યા છે. તેવામાં વધુ એક LRD ભરતી મામલે યુવાનોનો મોરચો ઉભો થયો છે. યુવાનોએ પણ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી સરકાર સામે લડત આપવાની ચીમકી આપી છે. જેને પગલે આંદોલન મામલે સરકાર વધુ એક વાર ભીંસમાં મૂકાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x