સેક્ટર-૭/ડીમાં ગટર લાઇનનું પુરાણ કામ કરવામાં ન આવતાં સ્થાનિકોની મુશ્કેલીયો વધી
ગાંધીનગર
શહેરના સેક્ટર-૭માં થોડા સમય અગાઉ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનો નાંખવામાં આવી હતી. ત્યારે કામગીરી પુર્ણ થયાંને ઘણો સમય થવા છતાં સેક્ટર-૭/ડીમાં મુખ્યમાર્ગની પાસે જ આવેલી ગટર લાઇનનું પુરાણ કામ કરવામાં નહીં આવતાં અવર જવર કરતાં વાહનચાલકો અને સ્થાનિક રહિશો માટે જોખમી બની છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-૭ ડીમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાંખવામાં આવી હતી. તે વખતે મુખ્યમાર્ગની પાસે આવેલી ગટરોમાં માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. આમ ગટર લાઇન ખુલ્લી રાખવામાં આવતાં સ્થાનિક રહિશો અને અવર જવર કરતાં વાહનચાલકો માટે જોખમી બની છે. જે અંગે સ્થાનિકોએ ડ્રેનેજ ઇન્કવાયરીમાં લેખિત અને મૌખિક ફરિયાદો કર્યા બાદ કચેરીના સ્ટાફ દ્વારા ગટરની આસપાસ ઉંડો ખાડો કરીને ખુલ્લી ગટરની અધુરુ કામ મુકી દેવામાં આવતાં અવાર નવાર વાહનચાલકોને તેનો ભોગ બનવું પડે છે.
થોડા દિવસ અગાઉ જ એક કાર આ ગટરમાં ખાબકી હતી. જેના પગલે ચાલકને નાની મોટી ઇજાઓ પણ થવા પામી છે. આમ સ્થાનિક રહિશો દ્વારા આ ગટરને પુરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે. સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.