ગુજરાત

ઉગલવાણની સરકારી પ્રાથમિક શાળાના રૂમોના બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર : સરપંચ બાઘુબેન સીસારા

ઉગલવાણની પ્રાથમિક શાળાના રૂમો નું બાંધકામ તાત્કાલિક પૂરું કરવા સરપંચની રજૂઆત

ઉગલવાણ ગામે સરકારી શાળાના બાળકો ખુલ્લામાં બેસી ભણવા મજબૂર

શાળાના રૂમોનુ બાંધકામ સમયસર ન થતા વાલીઓમાં રોષ

ભાવનગર :
ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં ઉગલવાણ ગામની સરકારી પ્રાથમિક શાળાના બાંધકામમાં કોન્ટ્રાકટર દ્વારા ધિમીગતીની કામગીરી અને ભ્રષ્ટાચાર આચરાતા ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સરપંચ દ્વારા આ શાળાના બાંધકામ કરતા કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરાઇ છે. ફરીયાદમાં સરપંચ દ્વારા જણાવાયુ હતુ કે ઉગલવાણ ગામની શાળાના બાળકો જ્યાં ભણી રહ્યાં છે તે જોઈને સરકારને શરમ આવવી જોઈએ. ગુજરાતમાં વિદેશી મહેમાન આવવાના હોય તો રોડ રસ્તા કે બિલ્ડિંગ રાતોરાત ઉભા થઈ શકે પરંતુ ગુજરાતનું ભવિષ્ય એટલે કે, બાળકો માટે શાળાના રૂમો બાંધકામની વાત આવે તો સરકારને અનેક વર્ષોનો સમય જોઈએ છે. આ તે કેવી સરકારી નીતિ છે ?

સરપંચે જણાવ્યુ હતુ કે ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં ઉગલવાણ ગામની સરકારી પ્રાથમિક શાળાના ક્લાસ જોઈએ તો ખરેખર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની એક નવી સિદ્ધિ દેખાઈ આવે કે, શિક્ષણ ક્ષેત્રે મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારમાં ઉગલવાણની આ શાળા છેલ્લા 5 વર્ષથી રામભરોસે ચાલી રહી છે. અનઘડ તંત્રના અનઘડ વહીવટના કારણે વર્ષોથી આ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં કુલ 400 વિદ્યાર્થીઓને જોખમી શાળામાં ભણવું પડી રહ્યું છે. અહીં શાળામાં વિદ્યાર્થીઓ છે, શાળામાં મહેકમથી ખુબજ ઓછા પણ સારા શિક્ષકો છે પરંતુ શાળા પાસે વિધાર્થીઓને બેસવા માત્ર ત્રણ જ રૂમ છે. શાળાની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી તેને તોડીને નવુ બાંધકામ ચાલુ કરેલ જેને પગલે વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગ્રામ પંચાયત દ્વારા 5 વર્ષથી અવાર નવાર શાળાનાં નવા રૂમોનાં બાંધકામની માંગણી કરવામાં આવી હતી. સરકારી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતની દરખાસ્તને ધ્યાને ન લેતા ગ્રામજનોને તા.09/06/2017 ના રોજ પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા શાળામાં નવા 6 રૂમો બનાવવાની મંજૂરી આપી દેવાઇ છે. અને છેલ્લા દોઢ વર્ષથી રૂમોનુ બાંધકામ પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. પરંતુ આ શાળાનું બાંધકામ રામભરોસે ચાલી રહ્યુ છે. સરકાર દ્વારા આ શાળાનુ બાંધકામ કોઇ કોન્ટ્રાક્ટરને બાંધકામ કરવા આપી દીધેલ પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમયમર્યાદા પુરી થઇ છતાં પણ હજુ કામ પુરૂ કરવામાં આવેલ નથી. આથી આ શાળાના 400 વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરીને ખુલ્લામાં બેસી ભણવા મજબૂર બન્યા છે. જેથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સરપંચે વધુમાં જણાવ્યુ હતુ કે કોન્ટ્રાકટર અને સ્થાનિક અધિકારી કર્મચારીઓ દ્વારા આ રસ્તાની કામગીરી કરવામા ખુબજ બેદરકારી દાખવીને આ કામગીરીમા નિતી-નિયમોને નેવે મુકી યોગ્ય કામગીરી નહી કરીને બિન કાયદેસર રીતે નાણા ચાંઉ કરી ભ્રષ્ટાચાર કરેલ હોય. આથી આ અંગે તમામ બાબતોને ધ્યાને રાખીને આ કામમાં થયેલ ભ્રષ્ટાચારની કાયદેસર તપાસ તેમજ સારા રૂમના બાંધકામની વ્યવસ્થા સત્વરે કરવી જોઇએ. આ કામમા થયેલ ગેરરીતીઓ અંગે અવાર નવાર કોન્ટ્રાકટર તેમજ સ્થાનિક તંત્રને મૌખિક અને ટેલિફોનિક રજુઆતો પણ કરેલ.

આ કોન્ટ્રાકટર દ્વારા આ શાળાના રૂમોના બાંધકામમાં વાપરવામાં આવેલ તમામ પ્રકાનું મટીરીયલ હલ્કી ગુણવતા વાળુ વાપરવામાં આવેલ છે. આ કામનાં એસ્ટીમેન્ટમાં દર્શાવેલ મટીરીયલનાં બદલે હલ્કી ગુણવત્તા વાળી રેતી, હલ્કી ગુણવત્તા વાળી કાંકરી, હલ્કી ગુણવતા વાળુ લોખંડ વાપરવામાં આવતાં આ શાળાના રૂમોનુ બાંધકામ ખુબજ હલ્કુ કરવામાં આવતાં અત્યારથી જ રૂમોમાં અને દિવાલોમાં તિરાડો પડવી, ગાબડા પડવાનુ તેમજ તુટવાનુ શરૂ થયેલ છે. તેમજ સમય મર્યાદામાં કામ પણ પુરૂ કરવામાં આવેલ નથી. આજ દિન સુધી આ બાંધકામ કરનાર કોન્ટ્રાકર દ્વારા ગ્રામ પંચાયત તેમજ એસ.એમ.સી. ને આ કામ અંગેના વર્ક ઓર્ડર કે અન્ય વિગતો અવાર નવાર માંગવા છતાં પણ આપવામાં આવેલ નથી. આવા ભ્રષ્ટાચારીઓને સાથ આપવાને બદલે તેઓની સામે સરકારે કડકમા કડક કાર્યવાહીઓ કરવી જોઇએ. પરંતુ સ્થાનિક લેવલના ભ્રષ્ટાચારી કર્મચારીઓના કારણે આ શાળાના રૂમના બાંધકામમા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતા આજે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આમ ખુબજ ગંભીર ગેરરીતી થયેલ હોય આ કામ અંગે તાત્કાલિક જવાબદારો સામે પગલાં ભરવા વિનંતી છે. આ કામ કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા પાંચેક મહિનાથી બંધ કરવામાં આવેલ છે. આ કામ હાલ પુરૂ ન થતા અને અધુરૂ પડતર રાખતા અમોને આ શાળાના બાંધકામ પુરૂ થવા અંગે શંકા ઉપજે છે. આ કામ ચાલુ હતું તે દરમ્યાન પણ સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર મૌખિક અને ટેલીફોનિક ફરીયાદો કરવામાં આવી હતી. પરંતુ તાલુકા થી જિલ્લા કક્ષાનાં અધિકારીઓ એ આ કામ ગુણવત્તા સભર કરાવવા દેખરેખ રાખવાને બદલે કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત કરીને ગેરરીતી કરીને આવા લોકોને છાવરી ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.

આ બાબતે કોન્ટ્રાક્ટરનું બિલ-ડિપોજીટ વગેરે રોકી ને તેમજ જપ્ત કરીને યોગ્ય રીતે ફરીથી આ કામ કરાવવા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આ ભ્રષ્ટાચાર કરેલ શાળાના રૂમોના બાંધકામને રદ્દ કરી સંપુર્ણ રકમ કોન્ટ્રાકટર પાસેથી વસુલી નવેસરથી બાંધકામ કરાવવા માટેની કાર્યવાહી કરવામા આવે તેવી સરપંચ દ્વારા શિક્ષણમંત્રીશ્રી, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી, સર્વ શિક્ષા અભિયાન, વિધાનસભા વિપક્ષનેતાશ્રી,સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી સહિત ઉચ્ચકક્ષાએ માંગણી કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x