કચ્છમાં ક્રીક સરહદે BSFના IGના ધામા, જળ સીમાએ મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
ભુજ:ગુજરાત હાઇ એલર્ટ પર મૂકાયું છે ત્યારે કચ્છની ક્રીક અને રણ સીમા વિસ્તારમાં સલામતી એજન્સીઝ દ્વારા જાપ્તો વધારી દેવામાં આવ્યો છે. હાલમાં હરામીનાળા કે કોરીક્રીક સહિતના ક્રીક વિસતારમાં સીમા સુરક્ષા દળનો જાપ્તો વધી ગયો છે. કચ્છમાં કોટેશ્વર, જખૌ, નલિયા, મુન્દ્રા અને કંડલા તેમજ મુન્દ્રાની દરિયાઇ સીમા વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે ત્યારે ખાસ કરીને ક્રીક વિસ્તારમાં ફોકસ કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઇન્સ્પેક્ટર જનરલ અજય તોમર પણ શનિવારે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે ઘૂમી વળ્યા હતા. પાકિસ્તાન તરફેની શું ગોઠવણ થઇ રહી છે અથવા સમય જતાં તેઓ શું કરી શકે છે.
રણમાં પાણી હોવાના કારણે સલમતી દળોએ ક્રીક વિસ્તારમાં ફોકસ કર્યું
મહત્ત્વનો મુદ્દો એ છે કે રણમાં ચોમાસાના પાણી હજુ ભરાયેલાં છે. પાણી ભરાયેલાં હોવાના કારણે દુશ્મન દેશ કોઇ હરકત કરી શકે તેમ નથી તેવું સમજાઇ રહ્યું છે. પરિણામે દલ દલવાળા ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કે અન્ય કોઇ રીતે હરકત ઉભી થાય તેવી કથિત સંભાવનાઓ સામે ક્રીકમાં સઘન જાપ્તો મૂકી દેવાયો છે અને પેટ્રોલિંગ પણ વધારી નાખવામાં આવ્યું છે, એમ ભુજ સેક્ટર હેડ ક્વાર્ટરના ડીઆઇજી ઇન્દરકુમાર મહેતાએ કહ્યું હતું. તો પોલીસ બોર્ડર રેન્જના આઇજી એ.કે. જાડેજાએ પણ સમર્થન આપ્યું હતું કે, રાજ્યસ્તરના અધિકારીઓ કચ્છમાં આવી રહ્યા છે અને સુરક્ષા અંગે ચકાસણી ચાલી રહી છે .
બોર્ડર સુધીના રસ્તા તાકીદે રીપેર કરાશે
કચ્છની બોર્ડર સલામતી માટે વિવિધ એજન્સીઝ સાથે મળી રહેલી બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. કલેક્ટર મુકુલભાઇ ગાંધીએ કહ્યું હતું કે, સીમા પરની આઉટપોસ્ટ તરફના માર્ગો તાકીદે રીપેર કરવા અથવા જરૂરી પેચવર્ક કરીને મુવમેન્ટ સરળ બને તે રીતના તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. પીવાના પાણીનો જથ્થો પણ આગામી દિવસોમાં વધારાવા માટે સૂચના આપવામાં આવી છે. માળખાકીય રીતે કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને પણ તાકીદ કરાઇ છે. – કલેક્ટર