ગાંધીનગરગુજરાત

વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક : બજેટે સમગ્ર ગુજરાતને નિરાશ કર્યું : પરેશ ધાનાણી

જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટનો ઉકેલ લાવવામાં આ બજેટ નિષ્‍ફળ નીવડશે

ગાંધીનગર :
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજે રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે.
શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજે રજૂ થયેલ બજેટમાં ખેડૂતોનો ઉત્‍પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્‍છાશક્‍તિનો અભાવ દેખાય છે. રાજ્‍યમાં ખેડૂતોને પોતાની ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થાય છે પરંતુ અહીં ખેડૂતોની સ્‍થિતિ દયનીય છે. રાજ્‍ય અને કેન્‍દ્રમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેતીમાં ઉત્‍પાદન ખર્ચ બમણો થઈ ગયો છે અને આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતો દિન-પ્રતિદિન દેવાના ડુંગર નીચે દબાતા જાય છે અને આત્‍મહત્‍યા કરવા પ્રેરાય છે. ભાજપ સરકાર દ્વારા મેળાઓ અને ઉત્‍સવો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરી શકતા નથી. આજના બજેટથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તથા સંપૂર્ણ દેવા માફીની અપેક્ષા ઠગારી નીવડી છે. પાક વીમા કંપનીઓને જવાબદાર બનાવવાના બદલે પાક વીમા યોજનાને મરજીયાત બનાવીને ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાનું જોખમી પગલું ભાજપ સરકારે ભર્યું છે.
શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, સરકારે ૧૬,૦૦૦ જેટલા મધ્‍યમ, નાના અને સુક્ષ્મ ઉદ્યોગો નોંધાયા હોવાના મોટા દાવા કર્યા પરંતુ હકીકતમાં ગુજરાતની ઓળખસમા મોરબી-થાનનો સિરામિક ઉદ્યોગ, રાજકોટનો ઓઈલ એન્‍જિન ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ્‌સ ઉદ્યોગ, સુરત-અમદાવાદનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ, સુરેન્‍દ્રનગરના ફાર્માસ્‍યુટીકલ-ટેક્‍સટાઈલ પાર્ટ સહિતના ઉદ્યોગો પડી ભાંગ્‍યા છે. ભાજપ શાસનમાં ૫૫,૦૦૦ કરતાં વધુ નાના-મોટા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે કે મૃતઃપાય થઈ ગયા છે. સરકાર દ્વારા વાયબ્રન્‍ટ ઉત્‍સવો કરીને અબજો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩થી નવ-નવ વાયબ્રન્‍ટ સમિટમાં અબજો રૂપિયાના મુડીરોકાણના અને લાખોની સંખ્‍યામાં રોજગારી ઉભી કરવાના દાવા પછી આજે ગુજરાતમાં બેરોજગારીનો આંક દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધતો જાય છે. રાજ્‍યના યુવાનોએ રોજગારી માટે દર-દર ભટકવું પડે છે, આંદોલનો કરવા પડે છે, પરંતુ રોજગારી મળતી નથી. આજના બજેટમાં યુવાનોના કૌશલ્‍યવર્ધન અને રોજગારની તકો પ્રત્‍યે દુર્લક્ષ સેવવામાં આવ્‍યું છે.
શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે. રાજ્‍યમાં ભુમાફીયાઓનું પ્રમાણ વધતું જાય છે. રાજ્‍યમાં જલ અભિયાનના નામે મોટાપાયે રેતી અને માટીની ચોરી થઈ રહી છે. જમીન વિકાસ નિગમનું કરોડોનું કૌભાંડ ભાજપ સરકારની ઓળખ બની છે. ભાજપ સરકાર ૨૫ વર્ષના શાસન બાદ પણ ૨૨% ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી શકી નથી. રાજ્‍યમાં દલિત-પછાત અને આદિવાસીઓના ૪૬,૨૫૦ પરિવાર સહિત હજારો ઘરોમાં વીજ કનેકશન આપવામાં સરકાર સદંતર નિષ્‍ફળ રહી છે. ત્‍યારે કહી શકાય કે, કુવો ખાલી છે અને અવેડો ભરવાનું આભાસી ચિત્ર ભાજપ સરકાર ગુજરાતની જનતા સમક્ષ રાખી રહી છે.
ગત વર્ષના અંદાજપત્ર મુજબ કુલ વેરાની આવક પૈકી ડીસેમ્‍બર સુધીમાં ૪૨% જેટલી વેરાની આવકો ઘટી છે. રાજ્‍ય જીએસટીની અપેક્ષિત આવકો ડીસેમ્‍બર સુધીમાં ૪૯% જેટલી ઘટી છે ત્‍યારે એક તરફ રૂપિયો આવશે ક્‍યાંથી એ સુનિશ્‍ચિત ન હોય તો બીજી તરફ રૂપિયો ખર્ચાશે કે કેમ તે સવાલ શંકાના દાયરામાં છે ત્‍યારે આજના બજેટમાં સ્‍પષ્‍ટપણે દેખાઈ આવે છે કે જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટનો ઉકેલ લાવવામાં આ બજેટ નિષ્‍ફળ નીવડશે.
માંગ અને પુરવઠાની અયોગ્‍ય આકારણી અને અંદાજોના કારણે સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે. સામાન્‍ય માણસનું જીવન આજે દોહ્‌યલું થઈ ગયું છે ત્‍યારે આજે બજેટમાં મોંઘવારીનો દર ઘટશે એવી આશાઓ ઠગારી નીવડી છે. શિક્ષણ ક્ષેત્રે નવી શાળાઓ કે કોલેજો ખોલવામાં તથા ગ્રાન્‍ટ, સહયોગ વધારવામાં ઉદાસીનતા ઉભરી છે. આરોગ્‍ય ક્ષેત્રે નવા સામુહિક અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને નવી હોસ્‍પિટલો ખોલવામાં તથા હયાત સુવિધામાં વધારો કરવા માટે સરકારે સદંતર નિષ્‍કાળજી દાખવી છે. અપેક્ષાઓ બહુ હતી પરંતુ રાજ્‍યમાં મહિલાઓનું સન્‍માન, સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા સંલગ્ન કાર્યક્રમોનો બજેટમાં અભાવ દેખાય છે.
ગુજરાતનું અટકેલું ગ્રોથ એન્‍જિન ફરી દોડશે એવી આ બજેટ પાસેથી અપેક્ષા હતી પરંતુ નાણામંત્રી દ્વારા આજે રજૂ થયેલ બજેટે સમગ્ર ગુજરાતને નિરાશ કર્યું છે તેમ અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *