રાજ્યમાં સિંગતેલ ના ભાવ માં એકાએક વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
ગાંધીનગર
એક તરફ મોંઘવારીની માર સામાન્ય લોકો ભોગવી રહ્યા છે ત્યારે બીજી બાજુ હવે ગૃહિણીઓ ના બજેટ માં પણ વધુ ભાર પડશે. મળી રહેલી જાણકારી અનુસાર, રાજ્યના સિંગતેલના ભાવમાં એકાએક વધારો થયો છે. સિંગતેલનો ભાવ 2000ને પાર થઈ ચૂક્યો છે. છેલ્લા ચાર દિવસમાં પ્રત્યેક ડબ્બે રૂ.75 નો ભાવ વધારો થયો છે. હજુ પણ સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો થાય એવા એંધાણ છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીનો પાક ઓછો થયો હતો અને રાજ્ય સરકારે મગફળી ખરીદવાની તૈયારી બતાવી હતી. એક તરફ સિંગતેલના વેપારીઓ કહે છે કે, જો ટેકાના ભાવે ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવ ગગડી શકે છે.
સિંગતેલના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે અનેક ગૃહિણીઓના બજેટ ખોરવાશે. વેપારીઓ કહે છે કે, સૌરાષ્ટ્રમાં સિંગતેલની માગ વધારે છે. સિંગતેલ માટે સિંગદાણાની આવક હોવી અનિવાર્ય છે. સિંગદાણાની આવક ન હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. નાફેડ ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવમાં પરિવર્તન આવી શકે છે. હાલમાં નાફેડ પાસે 5 લાખ ટન મગફળી છે. જો આ મગફળી બજાર કિંમતે વેચાણ અર્થે આવે તો તેલના ડબ્બાના ભાવમાં ફેરફાર થઈ શકે છે.