નવી શરતની જમીન 15 વર્ષ થતાં આપોઆપ જૂની શરતમાં બદલાશે
ગાંધીનગર : નવી શરતની, અવિભાજ્ય સત્તા પ્રકારની તથા ગણોતધારા હેઠળની જમીનોને 15 વર્ષ થયા હોય તો કોઇપણ પ્રકારનું પ્રીમિયમ વસૂલ્યા વિના આપોઆપ જૂની શરતમાં તબદીલ કરવા આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. આ કાયદો છેલ્લા 8 વર્ષથી અમલમાં હતો પરંતુ તેનો અમલ નહીં થતા સરકારે મામલતદારોને ડિસેમ્બર સુધી જમીનોના રેકર્ડમાં બદલવા તાકીદ કરી છે. નવી શરતની, અવિભાજ્ય સત્તા પ્રકારની તથા ગણોતધારા હેઠળની જમીનને એનએ કરાવવી હોય તો પ્રીમિયમ ભરીને જૂની શરતમાં તબદીલ કરાવવી જરૂરી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008માં 15 વર્ષ થયા હોય તેવી જમીનોને જૂની શરતમાં તબદીલ કરવાના આદેશો જારી કરાયા હતા પરંતુ તેનો અમલ નહીં થતો હોવા અંગેની ખેડૂતોની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ નવી શરતની જમીનને 31 ઓગસ્ટ સુધીમાં 15 વર્ષ પૂરા થયા હોય અને શરતભંગનો કેસ ન હોય તો આપમેળે ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. તમામ મામલતદારોને 31મી ડિસેમ્બર સુધીમાં આવી જમીનોના રેકર્ડમાં સુધારો કરવા તાકીદ કરાઇ છે.