ગાંધીનગરગુજરાત

રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું જડબેસલાક સર્વેલન્સ-ચેકીંગ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ : DGP શ્રી શિવાનંદ ઝા

ગાંધીનગર :
રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેની કડક અમલવારી માટે ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ ચલાવી લેવા માંગતી નથી. રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું એન્ટ્રી – એકઝીટ પોઇન્ટ પર સઘન ચેકીંગ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન મારફતે સતત સર્વેલન્સ હાથ ધરીને જડબેસલાક સર્વેલન્સ- ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ આપી દેવાયા છે. એટલું જ નહિ સોસાયટીઓમાં પણ ચેકીંગ હાથ ધરવા તમામ જિલ્લાના પોલીસ વડાઓને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું શ્રી ઝાએ ઉમેર્યું છે.

શ્રી ઝા એ વધુમાં ઉમેર્યું કે, સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે ગઇકાલથી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેના આધારે પણ ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલથી અત્યાર સુધીમાં સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે ૧૪ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી અફવાઓ ફેલાવતા વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ મામલે ૪૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

જે વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેવી કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તાત્કાલિક ૧૦૦ નંબર પર પોલીસને તે વ્યક્તિ અંગે જાણ કરવા શ્રી ઝાએ પડોશીઓને અપીલ કરી છે.

શ્રી ઝાએ કહ્યું કે, લોકડાઉનની કડક અમલવારી માટે રાજ્યની ૮૦ ટકા પોલીસ તૈનાત છે. બે શિફ્ટમાં જનતાની સેવામાં પોલીસ ખડેપગે રહે છે. ૭૦ હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓ, ૩૬ હજારથી વધુ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકડાઉનની કડક અમલવારી માટે ફરજ પર છે. જનતાના હિત માટે જ પોલીસ કડકાઈ કરી રહી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિને કેટલાક લોકો હળવાશથી લેતા હોવાની મળેલી વિગતોને ગંભીરતાથી લઈને સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને કડક અમલવારી કરાવવા સૂચનાઓ આપી દેવાઈ છે. હવે ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ આવા વિસ્તારોમાં કડક અમલવારી કરાવશે. તે ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.

પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૬૮૦ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૪૧૮ મળી કુલ ૧૦૯૮ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨૦૪૧ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૬૧૩૧ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ ૫૮૯૮ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x