ગાંધીનગરગુજરાત

ઘરે બેઠા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે weekly લર્નિંગ મટીરીયલ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડશે : શિક્ષણ મંત્રીશ્રી

ગાંધીનગર :
કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે દર શનિવારે ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે weekly લર્નિંગ મટીરીયલ અંતર્ગત જરૂરી સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવશે, શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક સંદેશમાં જણાવ્યું છે કે રાજ્યના સીઆરસી, બીઆરસી દ્વારા વોટ્સએપના માધ્યમથી જ્યારે વિદ્યાર્થીઓને આ અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ ના માર્ગદર્શન સાથે તેનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. આ સાહિત્યના ઉપયોગના કારણે રજાઓના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળી રહેશે. ૨૮ માર્ચથી શરૂ કરી આગામી દિવસોમાં ચારથી પાંચ શનિવારે ક્રમિક રીતે આ weekly લર્નિંગ મટીરીયલ આપવામાં આવશે. જે શનિવારે આ સાહિત્ય આપવામાં આવશે તેના પછીના શનિવાર સુધીમાં તેનું તમામ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો રહેશે, જેથી આગળના શનિવારના અભ્યાસમાં આગળ વધી શકાય, તેમ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને આ દિવસોમાં ઘરે બેઠા શૈક્ષણિક અભ્યાસની તક મળી રહેવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં એટલે કે જૂન 2020 થી બાળક જે ધોરણ માં આવવાનું છે તે ધોરણ મુજબ નું સાહિત્ય અને તેનો અભ્યાસ અત્યારથી જ થઈ ગયો હોવાથી આગામી સમયમાં તે નવા ધોરણમાં વિદ્યાર્થી સરળતાથી જોડાઈ શકશે.
અભ્યાસના આ સમયમાં વાલી પોતાના સંતાનોને સંપૂર્ણ સહયોગ આપે તેવી શિક્ષણ મંત્રીશ્રીએ વાલીઓને પણ અપીલ કરી છે. વાલીઓ ઉપરાંત શિક્ષક સમુદાય પણ આ અંગે નેતૃત્વ લઇને વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત વાલીઓ તથા બાળકોને માર્ગદર્શન આપશે અને આ સૌના સહકારથી રાજ્યના પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નું ભણતર ખૂબ જ આગળ વધે તેવા પ્રયાસો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કે હાલમાં ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયા – વોટ્સએપના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી ધોરણ 1 થી 10 ના પાઠ્યપુસ્તક ની બુક આપવાનો પણ પ્રયાસ કરાયો છે. આ પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રયાસો ઉપરાંત હવે weekly લર્નિંગ મટિરિયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ અભ્યાસની તક મળી રહેશે અને આગામી શૈક્ષણિક સત્રમાં વધુ શૈક્ષણિક સજ્જતા સાથે વિદ્યાર્થી આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે, તેવી આશા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x