રાજ્યમાં પહેલી માસ કોરોન્ટાઈનની ઘટના, એક સાથે 54,000 લોકોને કોરોન્ટાઈન કરાયા
સુરત :
સુરતમાં પહેલીવાર માસ કોરોન્ટાઈનની ઘટના બની છે. સુરતના રાંદેરના એક સાથે 54,000 લોકોને માસ કોરોન્ટાઇન કરાયા છે. કોઈ રાજ્યમાં માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુરત મહાનગર પાલિકાએ આ વિસ્તારને માસ કોરોન્ટાઈન જાહેર કરી ત્યાં પોસ્ટર પણ લગાવી દીધું છે જેથી લોકો આ વિસ્તારમાં પ્રવેશ કરે નહીં અને અન્ય લોકો પણ બહાર ફરતા ન દેખાય.
માસ કોરોન્ટાઈન કરાયા બાદ સુરતના રાંદેર રોડ સુમસાન જોવા મળ્યો હતો. રાંદેરનો સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન કરાયા બાદ અહીં પોલીસનો જડબેસલાક બંદોબસ્તપણ ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત મહાપાલિકા દ્વારા રાંદેર માટેની માસ કોરોન્ટાઇન સ્ટ્રેટેજીમાં 16,785 ઘરના સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ 54,003 લોકોને માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં લોન્ડ્રી ચલાવતા એક વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં 55 ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું અને અહીં બેરીકેડ મુકી માસ કોરન્ટાઇનના સાઇનબોર્ડ લગાવાયા છે.