રાજ્યનું પોલીસ તંત્ર પોતાના પરિવારની ચિંતા કરવાના બદલે નિષ્ઠાથી ફરજ બજાવે છે, તેમને સહકાર આપીએ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહજી જાડેજા
ગાંધીનગર :
ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોક ડાઉનના ચુસ્ત અમલ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની બાબતને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે. કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સસિંગ જાળવવા આજે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અનિવાર્ય બન્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં સર્વેલન્સ દ્વારા શહેર પોલીસે લોકડાઉનમાં કોરોના જેવી મહામારીને હરાવવા સોશિયલ ડિસ્ટન્સને અનિવાર્ય ગણાવ્યું છે. સાથે સાથે લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનુરોધ કર્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે ડિજિટલ પેટ્રોલિંગ- સર્વેલન્સને પરિણામલક્ષી બનાવ્યું છે. શહેર પોલીસ દ્વારા કરાયેલી આ પહેલ અત્યંત ઉપયોગી નીવડશે એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં શહેરભરના ૧૧૦૦ સૌથી વધુ કેમેરાની ફીડ મેળવીને તેના આધારે શહેરમાં એકઠા થતા લોકોની ભીડ નિવારાય છે. સેન્ટ્રલાઇઝ ડ્રોન અને કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ચાર ડ્રોનની મદદથી સમગ્ર શહેરની વિગતો મેળવાય છે અને આર્ટિફીશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી WHO ના નોર્મ્સ પ્રમાણે એક બીજા વચ્ચે ૧.૫ મીટરનું અંતર જાળવે છે કે નહી તે તપાસ દૂર બેઠા એટલે કે સેન્ટરમાં બેઠા બેઠા તપાસ કરી શકાય છે. શહેર પોલીસ દ્વારા ડિજિટલ પેટ્રોલિંગની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આ કંટ્રોલ રૂમમાંથી મહત્તમ ટ્રાફિક ધરાવતા વિસ્તારો લાલ રંગથી, થોડોક ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો ઓરેન્જ અને ન્યૂનતમ અથવા તો અત્યંત ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો લીલા રંગથી આઇડેન્ટીફાઇ કરવામાં આવે છે અને તેને આધારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સીધી સુચના આપી લોકોને એક્ઠા થતા રોક્વામાં આવશે.
મંત્રીશ્રીએ આ ડિજિટલ પેટ્રોલિંગની કામગીરી તથા તેનાથી થતાં ફાયદા અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં મુકાયેલા સી.સી.ટી.વી કેમેરા અને જ્યાં કેમેરા નથી ત્યાં ગુગલના માધ્યમથી આ સર્વેલન્સ હાથ ધરાય છે. આમ જાહેર માર્ગો પર પોલીસ દ્વારા તથા ટેકનોલોજીના માધ્યમથી પણ આ પહેલ કરાઈ છે. રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોલીસ તંત્રને ટેકનોલોજીથી સંપન્ન બનાવવા પગલા લીધા છે ત્યારે રાજ્યમાં “વિશ્વાસ” પ્રોજેક્ટ દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નેટવર્કનો પણ ઉપયોગ કરાશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યનો એક એક પોલીસ જવાન તથા અન્ય દળના જવાનો પોતાના ઘર-પરિવારની ચિંતા કરવાના બદલે લોકડાઉનના ચુસ્ત અમલ દ્વારા લોકોના સ્વાસ્થ્ય-જાનની ચિંતા કરી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ તેમને સહયોગ આપવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, જીઓ ટેગીંગ અને એરિયલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ભીડ એક્ઠી થતી અટકાવવા આ વ્યવસ્થા અમલી બનાવાઈ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રોનની મદદથી પણ લોકડાઉનનો અમલ કરાય છે. રોજ ૮ જેટલા ડ્રોન દ્વારા આ કામગીરી હાથ ધરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા પ્રયાસ કરાય છે. આ દેખરેખ દ્વારા રોજના ૭-૮ જેટલા જાહેરનામા ભંગના કેસ કરવામાં આવે છે શહેરીજનોએ પણ લોકડાઉનનો અમલ કરવામાં સહયોગ આપવા તેમણે અપીલ કરી છે.
આ પ્રસંગે એડિશનલ પોલીસ કમિશ્નરશ્રી પ્રેમવીર સિંઘ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદીપ ઝાલા, તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ( કંટ્રોલ રૂમ) શ્રી વિજય પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.