મંત્રીઓએ દિવાળી કાર્ડમાં બીજાની સિદ્ધિ વર્ણવવી પડે છે કાર્ડમાં પણ સરકારી યોજના
ગાંધીનગરઃ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી મંત્રીમંડળમાં ફેરફાર થયા અને મંત્રીઓના ખાતા પણ બદલાયા, હાલમાં તમામ મંત્રીઓ દિવાળી કાર્ડમાં પોતાના વિભાગોની સિદ્ધિ વર્ણવી રહ્યા છે.મંત્રીઓ હાલમાં જે ખાતા સંભાળે છે તેને માત્ર અઢી મહિના થયા છે જેથી અન્ય મંત્રીએ કરેલી સિદ્ધિઓ પોતાના વિભાગમાં સામેલ કરવી પડી છે. તમામ મંત્રીઓ લગભગ 5 હજાર જેટલા દિવાળી કાર્ડ છપાવ્યા છે અને તે પોતાના વિસ્તારના લોકોને મોકલાશે. દિવાળી કાર્ડની ડિઝાઇન એકસરખી રખાઇ છે જ્યારે તેમાં વિવિધ વિભાગો અને સરકારની યોજનાઓની તેમજ કરેલા કામોની માહિતી મૂકાશે.
પાટીદારોનું આંદોલન જ્યારે શરું થયું ત્યારે પ્રથમ 8 થી 10 રેલીમાં ક્યાંય પણ ઓબીસીનો ઉચ્ચાર પણ થયો ન હતો. પરંતુ ત્યાર બાદનું આંદોલન એવી રીતે ચાલ્યું કે અલ્પેશ ઠાકોરને ઓબીસી-એસસી-એસટી સમાજના આગેવાન થવાનો મોકો મળી ગયો. આ કહેવું છે થોડા દિવસ પહેલા નારણપુરા ખાતે મળેલા પાટીદાર સમાજના કેટલાંક જાણિતા આગેવાનોનું. પાટીદારોનું માનવું છે કે ઓબીસી સમકક્ષ લાભ માંગવાને કારણે અન્ય સમાજો સાથે પાટીદારોનું અંતર વધી ગયું છે અને તેની અસર ગામડાઓમાં ખાસ્સી એવી જોવા મળે છે. તેથી એક એવો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે કે આગામી સમયમાં સર્વ સમાજોને સાથે રાખીને આગળ વધવા પ્લેટફોર્મ ઉભું કરવાની કવાયત હાથ ધરાશે છે.