હેલિકોપ્ટરમાં ધડાકો થતાં અમને થયું રામ બોલો ભાઇ રામ: ભરતસિંહ સોલંકી
વડોદરા: અંકલેશ્વર ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના કાર્યક્રમ બાદ આર્મી હેલિકોપ્ટરમાં બેસીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરા ક્રોસીંગ બાદ એકાએક ધડાકા જેવો અવાજ આવતા જ ભરતસિંહ સોલંકીને થયુ કે રામ બોલો ભાઇ રામ થઇ જશે. જોકે, બંનેને સલામત રીતે વડોદરા ખાતે ઉતારવામાં આવ્યા હતા અને એક કલાક બાદ હેલિકોપ્ટરમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.
અચાનક હેલિકોપ્ટરમાં ધડાકા જેવો અવાજ સંભળાયો
ભરૂચ અને અંકલેશ્વર ખાતે હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ ભરતસિંહ સોલંકી અને વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અંકલેશ્વર ખાતે કાર્યક્રમના સમાપન બાદ તેમને ફાળવેલા સેનાના હેલિકોપ્ટરમાં બેસીને ગાંધીનગર જવા રવાના થયા હતા. આ બંને કોંગ્રેસી નેતા સહજ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વડોદરા ક્રોસ થયાની ગણતરીની પળોમાં જ અચાનક હેલિકોપ્ટરમાં ધડાકા જેવો અવાજ આવતા બંનેના જીવ પડીકે બંધાયા હતા.